સુરતમાં મ્યુનિના અધિકારીએ નશામાં ધૂત થઈને કાર ડિવાઈડર સાથે અથડાવી
- સુરતના અડાજણમાં ભૂમિ કોમલેક્સ પાસે મોડી રાત્રે બન્યો બનાવ,
- અકસ્માત બાદ કારચાલક અધિકારીને તેના પરિવારે ભગાડી દીધો,
- અકસ્માતને પગલે લોકોના ટોળાં ઉમટ્યાં
સુરતઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે મ્યુનિના એક અધિકારીએ જ કહેવાતા દારૂના નશામાં કાર ડિવાઈડર સાથે અથડાવી હતી. દારૂના નશામાં મ્યુનિ.ના એક અધિકારી દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો. ફુલ સ્પીડમાં કાર ચલાવીને પહેલા એક કારને ટક્કર મારી હતી. ત્યારબાદ કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર તોડીને રોંગ સાઈડમાં કાર ઘૂસી ગઈ હતી. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. દરમિયાનના અધિકારીના પરિવારને જાણ થતા પોલીસ આવે તે પહેલા તેને ભગાડી દીધા હતા. જોકે, પોલીસ દ્વારા મ્યુનિ.ના અધિકારીને પકડી પાડવામાં આવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, સુરત શહેરના અડાજણ વિસ્તારમાં ભૂમિ કોમલેક્સ પાસે મ્યુનિના એક અધિકારીએ મોડી રાત્રે વિચિત્ર અકસ્માત સર્જ્યો હતો. મ્યુનિ.ના અઠવા ઝોનમાં ફરજ બજાવતા એક અધિકારી પોતાની ખાનગી કારથી અકસ્માત સર્જ્યો હતો. અડાજણ વિસ્તારમાંથી પસાર થતા સમયે આ અધિકારીએ કથિત દારૂના ચિક્કાર નશામાં હતા અને અકસ્માત સર્જી દીધો હતો. અકસ્માત એટલો વિચિત્ર હતો કે, રસ્તાના સાઈડ પર ઊભેલી કારને પાછળથી ઠોકીને કાર ડિવાઈડર તોડી રોંગ સાઈડ પર આવી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી હતી. ઘટનાને લઇ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થયું હતુ અને પોલીસે અધિકારીને પકડી પાડ્યો હતો. કારમાં SMC લખેલું બોર્ડ પણ લાગેલુ હતુ. બનાવની જાણ થતા અડાજણ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને મ્યુનિના અધિકારીની ધરપકડ કરી હતી.