સુરતમાં પતિએ પત્ની, બાળક અને માત-પિતાને ચપ્પાના ઘા માર્યા, પત્ની-બાળકનું મોત
- યુવકે પરિવાર પર ચપ્પાથી હુમલો કર્યા બાદ પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો,
- ઘર કંકાશને કારણે બન્યો બનાવ,
- યુવક અને તેના માતા-પિતાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
સુરતઃ ઘર કે કુટુંબના કંકાશમાં ઘણીવાર પરિવારનો માળો વિખરાઈ જતો હોય છે. અને ક્રોધિત વ્યક્તિ ક્યારેક ન કરવાનું કરી બેઠતો હોય છે. આવોજ એક બનાવ સુરતમાં બન્યો છે, સુરતના સરથાણા વિસ્તારમાં સૂર્યા ટાવર સોસાયટીમાં રહેતા એક પરિવારમાં કુટુંબ કંકાશને કારણે પરિવારનો માળો તૂટી ગયો છે. પતિએ આવેશમાં આવી જઈને પોતાની પત્ની અને પોતાના માસુમ દીકરા પર ચપ્પાના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતાના માતા-પિતા પર ચપ્પાથી હુમલો કર્યા બાદ પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં માતા-પિતા અને યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી સૂર્યા ટાવર સોસાયટીમાં દીકરાએ તેના માતા-પિતા,પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પું માર્યું હતુ. સ્મિત જિયાણી નામના યુવકે પોતાના જ પરિવાર પર હુમલો કરતા પત્ની અને બાળકનું મોત નિપજ્યુ હતુ. જ્યારે માતા-પિતા અને હુમલો કરનારો સ્મિત હાલ સારવાર હેઠળ છે. સરથાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પારિવારિક મનદુઃખના કારણે ઘરમાં ઝઘડો ચાલતો હતો. જેને લઇને આ કરૂણ ઘટના બની હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે. પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો વતની હતો
પોલીસ સૂત્રોના કહેવા મુજબ આજે સવારે સરથાણા પોલીસ સ્ટેશન નજીક રાજહંસ સ્વપ્ન સૃષ્ટિ બંગલોઝ સોસાયટીમાં સુર્યા ફ્લેટની અંદર 8માં માળે એક વ્યક્તિએ પોતાને તથા પોતાના પરિવારને ઈજા પહોંચાડી હોવાનો કોલ મળતા તાત્કાલિક સરથાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં તપાસ કરતા માલુમ પડ્યુ હતું કે, ઘર નં.804માં રહેતા સ્મિત જીવાણીએ તેના પિતા લાભુભાઈ તથા માતા વિલાશબેન, પત્ની હિરલબેન, પુત્ર ચાહત અને પોતાને પણ ઇજા પહોંચાડી હતી. જેમાં તેના પત્ની અને પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે તેના માતા-પિતા અને પોતે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ અંગે પોલીસે તપાસ કરતા વિગત મળી છે કે, હુમલો કરનારના કાકાનું થોડા દિવસ પહેલા આકસ્મિક રીતે મૃત્યુ થયું હતું. જેના પગલે રિત રિવાજ મુજબ સ્મિત તેઓના ઘરે બેસવા-ઉઠવા જતો હતો. ત્યારે તેમના કાકાના કુટુંબીજનોને અંદરોઅંદર કંઈક મનદુઃખના કારણે તેઓએ સ્મિત અને તેના પરિવારને અમારા ઘરે આવવું નહીં અને તમારા અમારા કોઈ સંબંધ નથી તેમ જણાવ્યું હતું. તેનું લાગી આવતા સ્મિતે આ બનાવને કરુણ અંજામ આપ્યો હોવાનું કહેવાય છે. સ્મિતની હાલત વધુ ગંભીર હોવાથી તેને અલગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. (File photo)