કેટલીક શાળાઓમાં ધોરણ-1ના ગણિત વિષયના પાઠ્ય-પુસ્તકો હજુ પહોંચ્યા નથી
- બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભને દોઢ મહિનો થયો છતાં પુસ્તકો શાળામાં પહોંચ્યા નથી,
- સરકારી શાળાના શિક્ષકો રજુઆત કરે છે, પણ તંત્ર નિષ્ક્રિય,
- ગાંધીનગર જિલ્લાના ધો.1ના 20 હજાર વિદ્યાર્થીઓને ગણિતના પુસ્તકો મળ્યા નથી
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના બાળકોને પાઠ્ય-પુસ્તકો વિનામૂલ્યે આપવામાં આવે છે. ત્યારે રાજ્યની કેટલીક શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયાને દોઢ માસ જેટલો સમય થવા છતાં હજુ સુધી ધોરણ-1 ગણિત વિષયનું પાઠ્યપુસ્તક મળ્યું નથી. ગાંધીનગર જિલ્લાના ધોરણ-1માં અભ્યાસ કરતા અંદાજે 20 હજાર જેટલા વિદ્યાર્થીઓને ગણિત વિષયના પાઠ્ય-પુસ્તક ન મળ્યાની ફરિયાદો ઊઠી છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે પાઠ્ય પુસ્તકો આપવામાં આવે છે. જોકે શિક્ષણ વિભાગ દ્વારા અલગ અલગ શૈક્ષણિક સત્ર માટે અલગ અલગ પુસ્તકો વિષયવાર તૈયાર કરવામાં આવે છે. બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે. જેને દોઢ માસ જેટલો સમય થવા છતાં હજુ રાજ્યની ઘણી શાળાઓને ધોરણ-1માં ગણિત વિષયના પાઠ્ય-પુસ્તકો હજુ મળ્યા નથી. પાટનગર ગણાતા ગાંધીનગર શહેર અને જિલ્લાની વાત કરીએ તો પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1નું ગણિત વિષયના પાઠ્ય પુસ્તકો શાળાઓમાં વિદ્યાર્થીઓને મળ્યા નથી. આથી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ-1ના અંદાજે વીસેક હજાર જેટલા વિદ્યાર્થીઓને ગણિત વિષયનું શૈક્ષણિક કાર્ય કેવી રીતે કરાવવું તેવા પ્રશ્નો શિક્ષકોમાં ઉઠી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણથી વંચિત રહે નહી તે માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ઉપરાંત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે હાલમાં વિદ્યાસહાયકની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેવા સમયમાં જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ-1માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બીજા શૈક્ષણિક સત્રનું ગણિત વિષયનું પાઠ્ય પુસ્તક મળ્યું નથી. ત્યારે વિદ્યાર્થીઓના ગણિત જેવા વિષયના શૈક્ષણિક પાયો કાચો રહે એવી પણ શક્યતા રહેલી છે. ધોરણ-1ના વિદ્યાર્થીઓને ગણિત વિષયના પાઠ્ય પુસ્તક મળ્યુ નહી તે અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું. કે, ધોરણ-1ના ગણિત વિષયના પાઠ્ય પુસ્તક સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા પુરા પાડવામાં આવે છે. ઉપરાંત શાળાઓમાં ધોરણ-1ના ગણિત વિષયના પાઠ્યપુસ્તકો પહોંચી ગયા છે. તેમ છતાં આ મામલે તપાસ કરીને શાળાઓમાં ધોરણ-1ના ગણિત વિષયના પાઠ્ય પુસ્તકો પહોંચતા કરવામાં આવશે.