રાજપીપળામાં લગ્ન પ્રસંગે ભોજનમાં પનીરનું શાક ખાધા બાદ 80ને ઝાડા-ઊલટી
- રાજપીપળામાં ટેકરા ફળિયા વિસ્તારમાં બન્યો બનાવ,
- સરકારી હોસ્પિટલમાં 39ને સારવાર માટે દાખલ કરાયા,
- કેટલાકને ખાનગી હોસ્પિટલોમાં ખસેડાયા
રાજપીપળાઃ ગુજરાતમાં હાલ લગ્નગાળાની સીઝન ચાલી રહી છે. ત્યારે રાજપીપળામાં ટેકરા ફળિયામાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ 80 જેટલા લોકોને ફુડ પોઈઝનિંગ થતા દોડધામ મચી ગઈ હતી. કહેવાય છે કે, લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનોએ પનીરનું શાક ખાધા બાદ 80 જેટલા લોકોને પેટમાં દુઃખવા લાગતા બાદ ઝાડા-ઊલટી થતાં તમામને ખાનગી તથા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની વિગત એવી છે કે, રાજપીપળા શહેરના ટેકરા ફળિયામાં લગ્નપ્રસંગમાં અંદાજિત 3000 લોકોનો જમણવાર રાખવામાં આવ્યો હતો. આ લગ્ન પ્રસંગમાં મહેમાનોએ પનીર સહિતની વાનગીઓ આરોગી હતી. જોકે લગ્નમાં આવનાર મહેમાનો લગ્નમાં બનાવેલા ભોજન જમ્યા બાદ એક કલાકમાં કેટલાક લોકોને પેટમાં દુખાવો, ઝડા, અમુકને માત્ર ઊલટી તો કેટલાક લોકોને ઝાડા-ઊલટી (ડાયરિયા)ની ફરિયાદ ઉઠતા ટેકરા ફળિયા વિસ્તમાં ભાગદોડ મચી હતી. તેમજ 108 પર કોલ પણ વધી ગયા હતા. ફૂડપોઈઝનો ભોગ બનેલા કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તો કેટલાક લોકોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ડો.આર.સી.કશ્યપ, ડો.સુમન સહિત આરોગ્યની ટીમ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. આ બાબતે નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.સી.કશ્યપે જણાવ્યું હતું કે, રાજપીપળાના ટેકરા ફળિયામાં સંદીપ વસાવાને ત્યાં લગ્ન પ્રસંગ હતું. જે લગ્ન પ્રસંગ અંગે તપાસ કરતા 3000 માણસોની રસોઈ બનાવાઈ હતી. જોકે ઝાડાના 9 અને ઊલ્ટીના 11 આ સાથે ઝાડા-ઊલટીના 19ના કેસ મળી આવ્યા છે. તે સિવાયના તમામ કેસ મળીને કુલ 39 કેસ નોંધાયા છે. આ બનાવ પનીરનું શાક ખાવાથી બન્યો હોય તેમ જણાય છે. બીજા અન્ય લોકો ખાનગી દવાખાનામાં ગયા છે. અન્ય લોકો પણ અહિંયા આવશે તો સારવાર કરવામાં આવશે. આ સાથે આરોગ્યની ટીમ સતત તૈનાત થઈ જરૂરી તપાસ કરી રહી છે.