For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં ડુપ્લીકેટ અમેરિકન ડોલર આપીને છેતરપિંડી કરતા 3 શખસો પકડાયા

04:45 PM Nov 17, 2024 IST | revoi editor
રાજકોટમાં ડુપ્લીકેટ અમેરિકન ડોલર આપીને છેતરપિંડી કરતા 3 શખસો પકડાયા
Advertisement
  • સસ્તા ભાવે ડોલર આપવાનું કહીને નકલી ડોલર પધરાવી દેતા હતા,
  • પોલીસે 9400 નકલી ડોલર જપ્ત કર્યા,
  • ઠગ ત્રિપુટી વેપારીઓને વાતચિતમાં ભોળવીને શિકાર બનાવતી હતી

રાજકોટઃ કહેવત છે ને કે લોભીયા હોય ત્યાં ધૂતારા ક્યારેય ભુખે મરતા નથી. સસ્તામાં લેવાની લાહ્યમાં લોકો આબાદ છેતરાતા હોય છે. સસ્તા સોના બાદ હવે સસ્તા ડોલરના નામે ચીટિંગ આચરતી ટોળકીની રાજકોટ ગ્રામ્ય SOG પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ ગ્રામ્ય SOG પોલીસ ટિમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ભાડલા પાસેથી ચીટર ટોળકીના ત્રણ ચીટર શખસોને ઝડપી પાડી તેની પાસેથી 9400 ડોલરની ડુપ્લીકેટ નોટો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચીટર ગેન્ગના શખસો  મોટા ભાગે વેપારીને ટાર્ગેટ બનાવી સસ્તામાં ડોલર આપી ઠગાઈ કરતા હતા. રાજકોટના એક વ્યક્તિને ખોટા ડોલર આપી તેની પાસેથી આ ટોળકીએ 1.40 લાખ પડાવી બાદમાં આરોપીઓ જસદણ બાજુ અન્યને પોતાની જાળમાં ફસાવવા માટે શોધમાં હતા દરમિયાન ભાડલા પાસેથી ઝડપાઈ જતા ચીટર ટોળકીનો પર્દાફાશ થયો છે. રાજકોટ ગ્રામ્ય SOG પોલીસ સ્ટાફ જસદણ તથા ભાડલા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હકિકત બાતમી મળેલી કે, જસદણ-કમળાપુર રોડ, બરવાળા ગામના પાટીયા સામે આવેલી ખોડીયાર હોટેલ ખાતે ભાવેશભાઇ ઉગરેજીયા, ચંદુભાઇ ઉગરેજીયા તથા અજય ચુડાસમા એમ ત્રણેય ત્યાં હાજર હોય અને તેઓની પાસે શંકાસ્પદ ડોલરની ચલણી નોટો છે. જે અંગે મળેલી બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ પહોંચી ઝડતી તપાસ કરતા ત્રણેય શખસોના કબ્જામાંથી ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકન ડોલરની 96 ચલણી નોટો શંકાસ્પદ રીતે મળી આવતા ભાડલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એસઓજી પોલીસે આરોપી ભાવેશ કુરજી ઉગરેજીયા (ઉ.વ.36), ચંદુ કુરજી ઉગરેજીયા (ઉ.વ.43) અને અજય હિંમત ચુડાસમા (ઉ.વ.30)ની અટકાયત કરી આરોપીઓ પાસેથી ફેડરલ રીઝર્વ નોટ ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરીકાની વન ડોલરની ચલણી નોટો 2, ફેડરલ રીઝર્વ નોટ ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરીકાની 100 ડોલરની ચલણી નોટો-94, ભારતીય ચલણની 500 ના દરની અસલ નોટો 282 જેની કિંમત રૂપિયા 1,41,000 તેમજ મોટર સાયકલ નંગ-2 જેની કિંમત રૂપિયા 40,000, મોબાઇલ ફોન નંગ-6 જેની કિંમત રૂપિયા 21,000 એમ કુલ રૂપિયા 2,02,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. શંકાસ્પદ અમેરીકન ડોલરની ચલણી નોટોના જથ્થા સાથે ઝડપાયેલ 3 આરોપીઓ પૈકી એક આરોપી અજય ચુડાસમા મુંબઈ ખાતે રહે છે. જેથી તે મુંબઈથી અસલી અને નકલી બંને ડોલરની નોટો લાવ્યો હોય તેવી શંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોપીઓએ નકલી ડોલરની પ્રિન્ટર મારફતે કલર પ્રિન્ટ કઢાવી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પરંતુ આ ગુનામાં આરોપીઓ સાથે અન્ય કોણ કોણ સામેલ છે? કેટલા લોકો સાથે ચીટિંગ કર્યું? ડોલર પ્રિન્ટ ક્યાં સ્થળે કરાવ્યા? તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

પોલીસ સૂત્રોના કહેવા મુજબ આરોપીઓ સૌ પ્રથમ હોટલ કે એવી કોઈ જગ્યા એ જતા કે જ્યાં લોકો થોડો સમય બેસતા હોય ત્યાર પછી જેનો શિકાર કરવાના હોય તે વ્યક્તિની વાતો સાંભળતા અને પછી કોઈ પણ મુદ્દે એ વ્યક્તિ સાથે વાતો કરતા કરતા બાદમાં પોતાના પાસે ડોલર હોવાનું કહી અસલી ડોલરની નોટ બતાવતા આ પછી એક ડોલરની કિંમત 80 રૂપિયાથી વધુ છે. પણ અમે 50 રૂપિયામાં આપીએ છીએ એમ કહી વ્યક્તિને લાલચ આપતાં હતા. બાદમાં શિકાર જાળમાં ફસાઈ એટલે રોકડા રૂપિયા લઈ ડોલરની થપ્પી આપતાં આ ડોલરના બંડલમાં ઉપર નીચે બે અસલી ડોલર હોય અને અંદર ખોટી નોટો રાખતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement