સવા કરોડનો વિમો પકવવા કબરમાંથી લાશ કાઢી સળગાવી દીધી, પોતાના મોતનું તરકટ રચ્યું
- વડગામના ધનપુરા નજીક સળગેલી કારમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો
- માથે દેવું થઈ જતાં સવા કરોડનો વિમો પકવવાનો પ્લાન ઘડ્યો
- છેલ્લો ફોન અને સીસીટીવીએ ભાડો ફોડ્યો
પાલનપુરઃ રૂપિયા મેળવવા માટે કેટલાક લોકો એવું ક્રાઈમ કરી દેતા હોય છે. કે, પોલીસ માટે કેસ ઉકેલવા અધરા બની જતો હોય છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના ધનપુરા નજીક હાઈવે પર પાંચ દિવસ પહેલા વહેલી સવારે રાહદારીઓ અને વાહનચાલકોએ સળગેલી કાર જોતા જ પોલીસને જાણ કરી હતી. કારમાં એક વ્યક્તિ સળગેલી હાલતમાં મૃત મળી આવ્યો બતો. આ બનાવમાં પોલીસે એફએસએલની મદદ લઈને તપાસ શરૂ કરી હતી. દરમિયાન સળગેલી કાર સાથે સળગી ગયેલા અજાણ્યા શખસની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. જેમાં ઢેલાણાના શખસે લોનનું દેવું ભરપાઈ કરવા માટે પોતાના જ મોતનું તરકટ રચી રૂપિયા 1.26 કરોડનો વીમો પાસ કરાવવા ઘટનાને અંજામ આપ્યો હતો અને ચાર મહિના અગાઉ મૃત્યુ પામેલા ગામના જ વ્યક્તિનો મૃતદેહ સ્મશાનમાંથી બહાર કાઢી કારમાં મૂકી સળગાવી દીધો હોવાની હકિકત પ્રકાશમાં આવી હતી. પોલીસે આ કારસ્તાનમાં સામેલ મુખ્ય આરોપીના સાગરિતોની ધરપકડ કરી મુખ્ય આરોપીને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ગત 27 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધનપુરા ગામ પાસે હાઈવે પર એક સળગેલી હાલતમાં કાર મળી હતી. જેમાં ચાલકનો સંપૂર્ણપણે બળીને ખાક થઇ ગયેલી ડેડબોડી મળી હતી. આ ઘટનાની જાણ ગ્રામજનોએ પોલીસને કરતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. જેમાં આ કારમાં વડગામના ઢેલાણા ગામે રહેતા દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરસનજી પરમાર બળીને ખાક થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, બાદમાં પોલીસને આ ઘટનામાં અનેક શંકાઓ ઉભી થઇ હતી. પોલીસને શંકાઓ જતાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં દલપતસિંહ જીવીત હોવાની જાણ થઇ હતી. દલપતસિંહ જીવિત હોવાનું સામે આવતા કારમાં સળગી જનાર વ્યક્તિ કોણ હતી તેની તપાસ હાથ ધરાઈ હતી. પોલીસે દલપતસિંહના મોબાઇલના સીડીઆર ચેક કરતાં દલપતસિંહની સાથે છેલ્લી વાત મહેશ નરસંગજી ઠાકોર નામના શખસે કરી હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે મહેશ ઠાકોર, ઘોડીયાળના ભેમા ભીખાજી રાજપુત, દાંતાના ખેરમાળના દેવા લલ્લુભાઈ ગમાર અને સુરેશ બાબુભાઈ બુબડીયાને પોલીસ મથકે લાવીને પુછપરછ શરૂ કરી હતી.
પોલીસે સત્ય હકિકત જણાવવા માટે લાલ આંખ કરતા દલપતસિંહના મિત્રોએ વિગતો ઓકી કાઢી હતી. પુછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, દલપતસિંહે કેદારનાથ હોટલ બનાવી હતી જેના ઉપર રૂપિયા 15 લાખની લોન અને કાર ઉપર 1.80 લાખની લોન મળી કુલ 16.80 લાખનું દેવું હતું. આ લોન ભરપાઈ ન કરવી પડે તે માટે દલપતસિંહે પોતાનો રૂપિયા 1 કરોડનો અકસ્માત મૃત્યુ વીમો અને રૂપિયા 26 લાખનો LICનો વીમો મળી કુલ 1.26 કરોડનો ક્લેમ પાસ કરાવવા માટે પોતાના જ મોતનું તરખટ રચ્યું હતું. આરોપીઓએ ઢેલાણા ગામે ચાર મહિના અગાઉ મૃત્યુ પામેલા રમેશભાઈ તળશીભાઈ સોલંકીનો મૃતદેહ સ્મશાનમાં જમીનમાંથી ખોદીને બહાર કઢાવ્યો હતો. જે મૃતદેહ પોતાની કારમાં મુકી ધનપુરા નજીક જ્વલનશીલ પ્રવાહી છાંટી કાર સાથે મૃતદેહને સળગાવી દીધો હતો અને કારમાં પોતે મરી ગયો હોવાનું જાહેર કરવાના ઇરાદે આ દલપતસિંહ ફરાર થઈ ગયો હતો. દલપતસિંહના મિત્રોએ કબૂલાત આપતાં એની ચોક્કસાઇ કરવા પોલીસે તપાસ કરતા ચાર મહિના અગાઉ મૃત્યુ પામેલા ગામના રમેશભાઈ તળશીભાઇ સોલંકીનો મૃતદેહ જ્યાં દાટ્યો હતો ત્યાં ખોદકામ કરતા અંદરથી મૃતદેહ નીકળ્યો ન હતો.
આ અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, કાવતરાને અંજામ આપ્યા પછી દલપતસિંહનો તેના મિત્ર મહેશજી ઠાકોરે છેલ્લો સંપર્ક કર્યો હતો. જે પછી પોલીસની ટીમે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. જેમાં આ સાગરીતો દલપતસિંહને બાઈક ઉપર મુકવા જતા હોવાનું જણાઈ આવ્યું હતું. આથી કારમાં સળગી ગયેલી વ્યક્તિ કોઈ બીજી જ હોવાનું જણાતા આ દિશામાં તપાસ કરવામાં આવી હતી. હાલ મુખ્ય આરોપી દલપતસિંહ ફરાર છે, જ્યારે તેના સાગરિતોની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.