મહેસાણામાં યમરાજાએ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોને લઈને આગવી રીતે કર્યા જાગૃત
રોડ સેફટી મંથ 2025 ના ઉપક્રમે વિવિધ રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમો વચ્ચે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરતા લોકો માટે RTO મહેસાણાએ નવતર પ્રયોગ કર્યો હતો. જેમાં ખુદ યમરાજને રોડ પર લઈ આવ્યા હતા. જેમને એમની ગદા લઈ RTO સાથે રહી હેલ્મેટ અને સીટબેલ્ટ વિનાના વાહનોને રસ્તા પર રોક્યા હતા.
દૂધસાગર ડેરીના ગેટ અને રાધનપુર ચોકડી પર આ પ્રયોગ કરાયો હતો. જેમાં લોકોએ હસતા હસતા પોતાની ભૂલ સ્વીકારી હતી. અને રોડ પર યમરાજની હાજરીથી કૌતુક ફેલાયું હતું. યમરાજે સંદેશો આપ્યો હતો કે મારી ગદાનો પ્રહાર ખાલી હેલ્મેટ જ રોકી શકે છે, હું તમને ગમે ત્યાં મળી શકું છું, એટકે નિયમોનું પાલન કરો અને મારી સાથે મિટિંગ ના થઇ જાય એનું ધ્યાન રાખો.
રોડ પર RTO ની ટીમ સાથે ARTO અધિકારી એસ.એમ.પટેલ પણ હાજર રહ્યા અને રોડ સેફટીના નિયમોનું પાલન કરતા નાગરિકોને ફૂલ અને ચોકલેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. જેમને જણાવ્યું હતું કે વિવિધ કાર્યક્રમો વચ્ચે આ પ્રયોગ સફળ નીવડ્યો છે, લોકોનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે, અને યમરાજની હાજરીથી ગંભીર વિષયને હળવી શૈલીમાં પીરસવાનો પ્રયાસ કરાયો છે સાથે જ લોકોએ પોતાની રોડ સેફટી માટે જાતે જાગૃત થાય તો જ રોડ સુરક્ષિત થશે અને એના માટે ટ્રાફિક નિયમો ફરજિયાત પાલન કરવા પડશે. દૂધસાગર ડેરી ના સેફટી અધિકારીઓએ રેડિયમ રીફલેક્ટર વિનાના વાહનોને રીફલેક્ટર લગાવવાની કામગીરી કરી હતી. અને RTO અને ટ્રાફિક POLICE ની ટીમને સહયોગ આપ્યો હતો