તબીબીમાં આયુર્વેદ અને હોમિયોપથીમાં ત્રીજા રાઉન્ડના અંતે 499 બેઠકો ખાલી રહી
- પેરા મેડિકલના પ્રવેશના ત્રીજા રાઉન્ડનું મેરિટ જાહેર કરાયું,
- 11મી નવેમ્બર સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરી શકશે,
- BAMSમાં 239 અને BHMSમાં 260 બેઠક ખાલી
અમદાવાદઃ તબીબીના પેરા મેડિકલના અભ્યાસક્રમોમાં ખાલી રહેલી બેઠકો પર પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં આયુર્વેદ અને હોમિયોપથીના ત્રીજા રાઉન્ડના અંતે 499 બેઠકો ખાલી રહેતા ચોથા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી ઓનલાઈન શરૂ કરવામાં આવી છે. જ્યારે બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી, જીએનએમ, ઓક્યુપેશનલ થેરાપી, ઓર્થોટિક્સ, પ્રોસ્થેટિક્સ ,નેચરોપેથી સહિતની પેરા મેડિકલ કોર્સમાં ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.
પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે આયુર્વેદ અને હોમિયોપેથી કોર્સમાં પ્રવેશ માટે ચોથી ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 11 નવેમ્બર સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરી શકશે.11 નવેમ્બરે બપોર 2 વાગ્યા સુધીમાં વિદ્યાર્થીઓએ પોતે ભરેલી ચોઇસ જોઈ શકશે. ત્યારબાદ વિદ્યાર્થીઓનું મેરીટ જાહેર કરવામાં આવશે. BAMSમાં 239 અને BHMSમાં 260 બેઠક ખાલી છે. ત્રણ રાઉન્ડ બાદ 499 બેઠક ખાલી છે, જેના પર ચોથા રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત વર્ષ 2024-25 માટે બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી, જીએનએમ, ઓક્યુપેશનલ થેરાપી, ઓર્થોટિક્સ, પ્રોસ્થેટિક્સ , નેચરોપેથી સહિતની પેરા મેડિકલ કોર્સમાં 8 નવેમ્બરે ત્રીજા રાઉન્ડની બેઠકની ફાળવણી કરવામાં આવી હતી.. 11,158 વિદ્યાર્થીઓએ બીજા રાઉન્ડ માટે ફિલિંગ કરી હતી, જેમાંથી 4,361 વિદ્યાર્થીઓને બેઠકો ફાળવવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને બેઠક ફાળવવામાં આવી છે એવા વિદ્યાર્થીઓ તા. 14 મી નવેમ્બર સુધી ઓનલાઈન ફી ભરી શકશે. ઉપરાંત નિયત કરેલી એક્સિસ બેન્કની બ્રાન્ચમાં જઈને પણ ફી ભરી શકાશે. 16 નવેમ્બર સુધી વિદ્યાર્થીઓએ હેલ્થ સેન્ટર ખાતે રિપોર્ટિંગ કરીને અસલ ડોક્યુમેન્ટ જમા કરાવીને પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે.