રાજકોટના લોધિકાના માખાવડમાં સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
- GIDCની 21 એકર જમીન પર દબાણો થયેલા હતા
- રૂપિયા 100 કરોડની જમીન પરના દબાણો હટાવાયા
- દબાણો હટાવાતી વખતે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
રાજકોટઃ જિલ્લામાં સરકારી જમીનો પરના દબાણો દુર કરવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત લોધિકાના માખાવડમાં જીઆડીસીની જમીન પર ખડકાયેલા દબાણો પર કલેક્ટર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. જીઆઇડીસી બનાવવા માટે કલેક્ટર તંત્ર દ્વારા ફાળવાયેલી 21 એકર જમીન પર છેલ્લા લાંબા સમયથી અનઅધિકૃત રીતે સર્વે નં. 305ની જીઆઇડીસીની જમીન પર અમુક આસામીઓએ લાંબા સમયથી ખેતી વિષયક દબાણો અને પ્લોટોવાળી કબ્જો જમાવ્યો હતો. આ દબાણો ઉપર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને રૂ.100 કરોડની કિંમતની જમીન કલેક્ટર તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ લોધિકામાં માખાવડમાં સર્વે નં. 305ની જમીન પર અગાઉ પણ મામલતદાર તંત્રે ઓપરેશન ડિમોલિશન કરી કેટલાક મકાનોના દબાણો હટાવ્યા હતા. આ સમયે દબાણકારો અને કલેક્ટર તંત્રના અધિકારીઓ વચ્ચે માથાકુટ થઈ હતી. જે બાદ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ લોધિકા તાલુકા મામલતદાર ચુડાસમા અને તેની ટીમે પોલીસ કર્મચારીઓના કાફલાને સાથે રાખી આજે માખાવડમાં સર્વે નં.305ની સરકારી જમીન પર ત્રાટકી ડિમોલિશનની કામગીરી કરી હતી. જેમાં મોટા ભાગે ખેતી વિષયક દબાણો આ જમીન પર ખડકાયેલા હોવાથી 3 બુલડોઝર દ્વારા કાંટાળીવાડ સહિતનાં દબાણો દુર કરવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટર કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, લોધિકાના માખાવડમાં જીઆઇડીસીના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા 21 એકર જમીન ફાળવવામાં આવી છે. પરંતુ આ જમીન પર દબાણકારોએ ખેતી વિષયક દબાણો ખડકી કબજો જમાવી દીધો હતો. જેને હટાવવા માટે અગાઉ તંત્ર દ્વારા દબાણકારોને નોટીસ ફટકારવામાં આવી હતી. જે બાદ લોધિકા તાલુકા મામલતદાર ચુડાસમા અને તેમની ટીમે માખાવડમાં આ ડિમોલિશન હાથ ધરી રૂ. 100 કરોડની 21 એકર જમીન પર થયેલા દબાણો હટાવ્યા હતા. હજુ આગામી દિવસોમાં રાજકોટ જિલ્લામાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ વહીવટી તંત્ર દ્વારા ચાલુ રાખવામાં આવશે.