મહારાષ્ટ્રમાં ચૂંટણીપંચના ફ્લાઈંગ સ્કવોડે અમિત શાહના હેલિકોપટરની તપાસ કરી
મુંબઈઃ મહારાષ્ટ્રના હિંગોલીમાં ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરની તલાશીનો મામલો સામે આવ્યો છે. ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્કવોડે અમિત શાહની બેગ અને હેલિકોપ્ટરની તલાશી લીધી હતી. આ પહેલા લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર દરમિયાન પણ શાહના હેલિકોપ્ટરની તલાશી લેવામાં આવી હતી. આયોગે બિહારના કટિહારમાં આ કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે 12 નવેમ્બરે ઉદ્ધવ ઠાકરેના હેલિકોપ્ટરની બીજી વખત તલાશી લેવાતા વિવાદ થયો હતો. આ પછી ચૂંટણી પંચે પોતાની નીતિઓ સ્પષ્ટ કરી હતી.
12 નવેમ્બરે ચૂંટણી પંચે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની બેગની તપાસના મામલામાં સૂત્રોને ટાંકીને એક નિવેદન બહાર પાડ્યું હતું. અધિકારીઓ દ્વારા નિશાન બનાવવાના આરોપો પર, ચૂંટણી પંચના સૂત્રોએ કહ્યું હતું કે, તમામ રાજકીય પક્ષોના ટોચના નેતાઓના વિમાનો અને હેલિકોપ્ટર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ તપાસવામાં આવે છે. પંચના જણાવ્યા અનુસાર છેલ્લી ચૂંટણી દરમિયાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહના વિમાનો અને હેલિકોપ્ટરનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
કમિશનના એક અધિકારીએ જણાવ્યું કે, ચૂંટણી લડતા ઉમેદવારો માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરવા એજન્સીઓ કડક SOPsનું પાલન કરે છે. 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન બિહારમાં પણ આવો જ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. પંચે સ્પષ્ટતા કરી છે કે 24 એપ્રિલે ભાગલપુર જિલ્લામાં નડ્ડા સહિતના અગ્રણી નેતાઓના હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી હતી. એસઓપી મુજબ 21 એપ્રિલે કટિહાર જિલ્લામાં પણ અમિત શાહની તપાસ કરવામાં આવી હતી.