ગુજરાતમાં પોસ્કોના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષમાં 609 આરોપીને સજા
- આરોપીને ફાંસી સુધીની મહત્તમ સજા અપાવનારા પોલીસ કર્મચારીઓનું સન્માન કરાયુ
- પોસ્કો સામે પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,
- 1345 પોલીસ અધિકારી-કર્મચારીઓને રૂ.12.64,630 રોકડ ઇનામ અપાયુ
અમદાવાદઃ POCSOના ગુનામાં ખૂબ સંવેદના સાથે દિવસ-રાત એક કરીને આરોપીઓને પકડી સમગ્ર કેસમાં ઝીણવટભરી તપાસ કરીને વૈજ્ઞાનિક સહિતના મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્ર કરી આરોપીઓને ફાંસી સુધીની મહત્તમ સજા કરાવનાર પોલીસ અધિકારી-કર્મચારીઓને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તેમની કામગીરીની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંશનિય કામગીરી બદલ ગુજરાત પોલીસ દ્વારા મહિલા પોલીસ સહિત 1345 પોલીસ અધિકારી-કર્મચારીઓને રૂ. 12,64,630નું રોકડ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત પોલીસ બાળકો અને સગીર દિકરીઓની સુરક્ષાને વિશેષ પ્રાથમિકતા આપે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં બાળકો અને સગીર દીકરીઓ સામે થતાં અત્યાચાર તેમજ દુષ્કર્મના ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે ત્યારે આવા ગુનાઓ આચરનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેમને મહત્તમ સજા કરાવી ભોગ બનનારના પરિવરજનોને ઝડપી ન્યાય મળે તે પ્રકારે ગુજરાત પોલીસ કાર્ય કરી રહી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં પોક્સોના ગુનાઓમાં 609 આરોપીઓને સજા થવા પામી છે. આ સફળતા પાછળ ગુજરાત પોલીસની સમર્પિત ટીમની મહેનત છે. રાજ્યની પોલીસે આવા ગુનાઓમાં સંવેદનશીલતા દાખવીને ઝડપથી તપાસ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરીને અદાલતમાં મજબૂત કેસ રજૂ કરીને દોષિતોને કડક સજા થાય તેની ખાતરી કરવામાં આવી છે.
આ સફળતા માટે ગુજરાત પોલીસ દ્વારા 413 કેસમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર મહિલા પોલીસ સહિત 1345 પોલીસ અધિકારી-કર્મચારીઓને રૂ. 12,64,630નું ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઇનામોથી પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહન મળશે અને તેઓ ભવિષ્યમાં પણ વધુ સમર્પણભાવે કામ કરશે.