જામનગરમાં પૂર ઝડપે કાર દીવાલ તોડીને મકાનમાં ઘૂંસી ગઈ
- જામનગરના રામેશ્વરનગર ચોક પાસે બન્યો બનાવ,
- કારચાલક યુવાનું ગંભીર ઈજાને લીધે મોત,
- કાર દીવાલ સાથે અથડાતા ધડાકાને લીધે લોકો દોડી આવ્યા
જામનગરઃ શહેરના રામેશ્વર નગર ચોક પાસે હનુમાનના મંદિર નજીકથી ગઈ કાલે રાતના સમયે પૂરફાટ ઝડપે આવેલી કાર મકાનની દીવાલ તોડીને અંદર ઘૂંસી ગઈ હતી. આ અકસ્માતના બનાવમાં ધડાકા સાથે કાર અથડાઈ હોવાથી એનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. આ અકસ્માતના બનાવમાં કારચાલકનું મોત નિપજ્યું હતુ
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, જામનગર શહેરના રામેશ્વર નગર ચોક પાસે હનુમાનના મંદિર નજીકથી રાતના સમયે પસાર થઈ રહેલી જી.જે-10 ડી.જે.8280 નંબરની સ્વીફ્ટ કાર ઓવરસ્પીડના કારણે બેકાબૂ બની હતી, અને ગોળાઈમાં જ આવેલા એક મકાનની દિવાલ તોડીને અંદર ઘૂસી ગઈ હતી. જે ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં કારચાલક યુવાનનું બેશુદ્ધ થયા પછી ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને સૌ પ્રથમ 108 ની ટીમને બોલાવી હતી. જે 108 નીટીમે કારચાલકને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો, ત્યારબાદ પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ કરવામાં આવી હતી. જેના ખિસ્સામાંથી એક પાનકાર્ડ મળી આવ્યું હતું, જેમાં તેનું નામ પ્રફુલસિંહ મહિપતસિંહ જાડેજા હોવાનું જાણવા મળ્યું હતું.
પ્રાથમિક તપાસ દરમિયાન ઉપરોક્ત કારચાલકને એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હોવાનું કહેવાય છે. પોલીસ દ્વારા પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે, તેના રિપોર્ટના આધારે મૃત્યુનું કારણ જાણી શકાશે. પોલીસ તપાસ દરમિયાન ગાયને બચાવવા જતાં અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે.