હરિયાણામાં નાયબ સિંહ સૈની બીજી વખત મુખ્યમંત્રી બનશે, ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી થઈ
નવી દિલ્હીઃ હરિયાણામાં ભાજપાના ધારાસભ્ય દળના નેતા તરીકે નાયબ સિંહ સૈનીની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં મળેલી બેઠકમાં સૈનીની સર્વસંમતિથી ધારસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. આવતીકાલે ગુરુવારે હરિયાણામાં નવી સરકાર શપથગ્રહણ કરશે. નાયબ સિંહ સૈનીને સીએમ બનાવવા મામલે ભાજપના જ નેતા અનિજ વિજ અને રાવ ઈન્દ્રજીત સિંહની નારાજગી વચ્ચે અમિત શાહે ખુદ કમાન સંભાળી હતી અને ધારાસભ્ય દળની બેઠકમાં ઉપસ્થિત રહીને એકતાનો સંદેશ આપ્યો હતો.
ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજ અને કૃષ્ણ બેદીએ નવા સીએમ તરીકે નાયબ સિંહ સૈનીના નામનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. નાયબસિંહ સૈનીની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી બાદ હવે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજુ કરવામાં આવશે અને આવતીકાલે શપથવિધી સમારોહ યોજાશે. ધારાસભ્ય દળની બેઠકમાં નાયબસિંહ સૈનીએ જણાવ્યું હતું કે, હરિયાણાના લોકોએ પીએમની નીતિઓ પર મંજુરીની મહોર મારી છે. હરિયાણાની જનતાએ શપથ લીધા છે કે, 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને આગળ લઈ જવાશે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 48 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી અને સરકાર બનાવવામાં સફળ રહી હતી. જ્યારે, કોંગ્રેસને 37 બેઠકો મળી હતી. આઈએનએલડીને બે અને અપક્ષોને ત્રણ બેઠકો મળી હતી. સાવિત્રી જિંદાલ સહિત ત્રણેય અપક્ષોએ ભાજપને સમર્થન આપ્યું છે. હરિયાણાના નિરીક્ષક અમિત શાહે કહ્યું કે, "પીએમના નેતૃત્વમાં સમગ્ર દેશમાં જે વિજય અને વિકાસની ગાથા રચાઈ છે તેની આ જીત છે. આ ભાજપની નીતિઓની જીત છે.