ગુજરાત સરકારમાં હવે 15 કરોડ સુધીના ટેન્ડરોમાં નાણા વિભાગની મંજુરી નહીં લેવી પડે
- 5થી 10 કરોડના ટેન્ડરમાં નાણા વિભાગની ફરજિયાત મંજુરી લેવી પડતી હતી
- મંજુરીમાં સમય લાગતા વિકાસના કામોમાં વિલંબ થતો હતો
- હવે મંજૂરી પ્રક્રિયા વધુ ઝડપી બનશે
ગાંધીનગર: રાજ્યમાં સરકાર દ્વારા કરાતા વિવિધ વિકાસ કામોના ટેન્ડરો 5 કરોડથી વધુ હોત તો નાણા વિભાગની ફરજિયાત મંજુરી લેવી પડતી હતી. તેના લીધે વિકાસ કામોના ટેન્ડર પ્રકિયામાં ભારે વિલંબ થતો હતો આથી રાજ્ય સરકારે મહત્ત્વનો નીતિગત નિર્ણય લઈ ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનાવી છે. હવે રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને કચેરીઓ 15 કરોડ રૂપિયા સુધીના ટેન્ડરોને નાણા વિભાગની મંજૂરી વિના મંજૂર કરી શકશે. અત્યાર સુધી 5થી 10 કરોડ રૂપિયા સુધીના ટેન્ડરો માટે સંબંધિત વિભાગ ઉપરાંત નાણા વિભાગની પણ મંજૂરી ફરજિયાત હતી. હવે આ મર્યાદા વધારીને 15 કરોડ સુધીની કરાયા બાદ ટેન્ડર મંજૂરીની પ્રક્રિયામાં વહીવટ તંત્રને વધુ સ્વતંત્રતા મળશે.
ગુજરાત સરકારે વિવિધ વિભાગો અને કચેરીઓ 15 કરોડ રૂપિયા સુધીના ટેન્ડરોને નાણા વિભાગની મંજૂરી વિના મંજૂર કરી શકશે એવો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો ઉદ્દેશ સરકારી કામકાજમાં ઝડપી નિર્ણયો લઈ શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવી છે. નાયબ સચિવ પીએમ ભારદ્વાજ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં નવા નિયમો અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. નવા માર્ગદર્શન મુજબ વિભાગીય સચિવ, મુખ્ય સચિવ કે અધિક સચિવ 15 કરોડ સુધીના ટેન્ડરો અથવા ખરીદી દરખાસ્તોને જાતે મંજૂર કરી શકે છે. 15 કરોડથી વધુ કિંમતના ટેન્ડર માટે જ નાણા વિભાગના અગ્ર સચિવ અથવા મુખ્ય સચિવની મંજૂરી લેવી ફરજિયાત રહેશે