ગુજરાતમાં દર ચોથો વ્યક્તિ સહકારી મંડળીનો સભાસદ, કૂલ 1.71 કરોડ સભાસદો
- ગુજરાતમાં કૂલ 89,221 જેટલી સહકારી સંસ્થાઓ કાર્યરત,
- 3 વર્ષમાં 48 લાખથી વધુ ખેડૂતોને 3056 કરોડની વ્યાજ સહાય ચુકવાઈ,
- 559 ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે રૂ.15 કરોડની સહાય અપાઈ
ગાંધીનગરઃ દેશભરમાં તા.14 થી 20 નવેમ્બર દરમિયાન 'રાષ્ટ્રીય સહકાર સપ્તાહ' ઉજવાઈ રહ્યું છે ત્યારે સહકારી પ્રવૃત્તિઓનો દેશના અને રાજ્યના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે. તેમાં પણ ગુજરાતનાં સહકાર મોડલની સમગ્ર દેશમાં આગવી નોંધ લેવામાં આવે છે. ગુજરાતની સહકારી સંસ્થા "અમૂલ" એ માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વમાં સહકારી ક્ષેત્રનું ઉત્તમ ઉદાહરણ છે. દેશમાં સૌથી પહેલાં સહકારી મંડળીની રચના વર્ષ 1889માં વડોદરા મુકામે અન્યોન્ય સહાયક સહકારી મંડળીના રૂપમાં કરવામાં આવી હતી. ગુજરાતમાં વર્ષ 1904ના સહકારી કાયદા પ્રમાણે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાની વિસલપુર સહકારી મંડળી ગુજરાતની શરૂઆતમાં નોંધાયેલી મંડળી છે.
ગુજરાતની સ્થાપના સમયે રાજ્યમાં સહકારી મંડળીઓની કુલ સંખ્યા 13,959 જેટલી હતી, જ્યારે આજે કુલ 89,221 જેટલી સહકારી સંસ્થાઓ કાર્યરત છે, જેમાં અંદાજે 1.71 કરોડ સભાસદો જોડાયેલા છે. આમ, લગભગ 6 કરોડથી વધુ વસ્તી ધરાવતા ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ છે. ગુજરાતના તમામ 33 જિલ્લા મથકોએ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરી આવેલી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વર્ષ 2021માં દેશમાં પ્રથમવાર અલગ સહકારિતા મંત્રાલયની રચના કરવામાં આવી છે. ગુજરાતનાં પનોતા પુત્ર અને દેશના ગૃહમંત્રી અમિત શાહ દેશના સહકારિતા મંત્રાલયના પ્રથમ મંત્રી બન્યા પછી સહકારી ક્ષેત્રે આમૂલ પરિવર્તન જોવા મળી રહ્યું છે, સાથે સાથે સહકારી મંડળીના સભાસદો માટે ઘણા હિતલક્ષી નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે.
રાજ્યના સહકારી મંડળીઓના વિભાગ દ્વારા સભાસદોને છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ એટલે કે વર્ષ 2021-22 થી વર્ષ 2023-24 દરમિયાન વિવિધ લાભો આપવામાં આવ્યા છે. જે અંતર્ગત રાજ્યમાં ખેત-કૃષિ ઉત્પાદન વધે તે માટે ખેડૂતોને ખેતી માટેની જરૂરીયાતો સંતોષવા વિવિધ બેંકો દ્વારા ખેડૂતોને પાક ધિરાણ આપવામાં આવે છે. પાક ધિરાણ યોજના અંતર્ગત ખેડૂતોને વગર વ્યાજે એટલે કે 0 ટકા વ્યાજે ધિરાણ મળે છે. જેમાં ભારત સરકાર દ્વારા 3 ટકા અને ગુજરાત સરકાર દ્વારા 4 ટકા રકમનો ફાળો આપવામાં આવે છે. જે અન્વયે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા 48 લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ. 3,056.48 કરોડની વ્યાજ સહાય ચૂકવવામાં આવી છે. તેવી જ રીતે પશુપાલકો અને માછીમારોની પ્રવૃત્તિઓ પણ વધારે સુદ્દઢ રીતે પરીપૂર્ણ થાય તે હેતુસર ધિરાણ પર પશુપાલકોને રૂ. 19.31 કરોડ અને માછીમારોને રૂ. 78 લાખની વ્યાજ સહાય આપવામાં આવી છે. રાજ્યમાં નાગરિકોને પૂરતું સમયસર અનાજ મળી રહે અને પાક સંગ્રહ ક્ષમતામાં વધારો થાય તે માટે ખેડૂતોને ગોડાઉન બનાવવા 25 ટકા મૂડી સહાય રૂ.૫ લાખની મર્યાદામાં આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષ 2021 થી 2024માં 559 ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે રૂ.15 કરોડની સહાય પણ આપવામાં આવી છે.