ગુજરાતમાં જાન્યુઆરીમાં કારના વેચાણમાં 18 ટકાનો વધારો, વાહનોનું વેચાણ 6 ટકા વધ્યું
- એક જ મહિનામાં ઓવરઓલ વેચાણમાં 6 ટકાનો વધારો
- જાન્યુઆરી 2024 કરતાં જાન્યુઆરી 2025માં 5977 કાર વધુ વેચાઈ
- ટુ વ્હીલરના વેચાણમાં 6 ટકા અને થ્રી વ્હીલરમાં 8 ટકાનો વધારો
અમદાવાદઃ ગુજરાતમાં વાહનોની સંખ્યામાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. નવા વાહનોના વેચાણમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગત જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં કારના વેચાણમાં 18 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે ટુ વ્હીલરના વાહનોમાં 6 ટકા અને થ્રી વ્હીલર વાહનોમાં 8 ટકાનો વધારો નોંધાયો હતો. અમદાવાદ સહિત મહાનગરોમાં સૌથી વધુ વાહનો વેચાયા છે.
રાજ્યના વાહન વ્યવહાર વિભાગમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ રાજ્યમાં ગયા વર્ષના જાન્યુઆરીની સરખામણીમાં આ વર્ષના જાન્યુઆરી મહિનામાં કારના વેચાણમાં 18 ટકાનો વધારો થયો છે. જ્યારે ટુ વ્હીલરના વેચાણમાં 6 ટકા અને થ્રી વ્હીલરના વેચાણમાં 8 ટકાનો વધારો જોવા મળ્યો છે. કોમર્શિયલ વાહનોના વેચાણમાં સૌથી વધુ 19 ટકા વધારો થયો છે. જાન્યુઆરી 2024માં 33,500 કાર વેચાઈ હતી અને આ વર્ષે જાન્યુઆરીમાં 39,477 કારનું વેચાણ થયું હતું. બીજી તરફ ટ્રેક્ટરનું વેચાણ ઘટ્યું છે. ગત વર્ષની સરખામણીમાં ટ્રેક્ટરના વેચાણમાં 32 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ઓવરઓલ રાજ્યમાં વાહન વેચાણના આંકડામાં 6 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
રાજ્યમાં વાહન વેચાણનો જે ટ્રેન્ડ શરૂ થયો છે તે ગયા વર્ષથી આજદિન સુધી સારો રહેવાના કારણે વાહન ડીલરો ખુશ છે. જ્યારે ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર એસોસિયેશનના સૂત્રોના કહેવા મુજબ વર્ષ 2024થી વાહન વેચાણમાં ખૂબ જ સકારાત્મક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વાહન વેચાણ વધ્યું છે અને વાહન ડીલરો દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે વિશેષ ઓફર પણ અપાઈ હોવાને કારણે પણ વેચાણ વધ્યું છે. વાહન ડીલરો સહિત કાર કંપનીઓ એવી આશા રાખી રહ્યા છે કે, આવનારાં વર્ષોમાં પણ વેચાણમાં આ પ્રકારનો ટ્રેન્ડ જળવાઈ રહેશે.