ગુજરાતમાં આજે લાભ પાંચમથી તમામ માર્કેટ યાર્ડ કામકાજનો શુભારંભ
- દિવાળીની રજાઓ પૂર્ણ થતાં માર્કેટિંગ યાર્ડસમાં ખરીફ પાકની આવકનો પ્રારંભ,
- રાજકોટ યાર્ડની બહાર વાહનોની લાંબી લાઈનો લાગી,
- ગોંડલ અને ડીસા યાર્ડમાં મગફળીની ધૂમ આવક
અમદાવાદઃ ગુજરાતના તમામ એપીએમસી યાને માર્કેટ યાર્ડ્સમાં દિવાળીની રજાઓ બાદ આજે લાભ પાંચમથી ખરીદ-વેચાણનો શુભારંભ થયો હતો. જેમાં ખેડુતો મગફળી, કપાસ સહિત ખરીફ પાક વેચવા માટે આવ્યા હતા. રાજકોટના માર્કેટ યાર્ડમાં તો વહેલી સવારથી વાહનોની લાઈનો જોવા મળી હતી. ગોંડલ, જામનગર, ભાવનગર, જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના તમામ યાર્ડ તેમજ ઉત્તર ગુજરાતના ડીસા, પાલનપુર. હિંમતનગર, મહેસાણા અને ઊંઝા સહિતના તમામ યાર્ડમાં ખેડુતો કૃષિ ઉપજ વેચવા માટે આવ્યા હતા.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડમાં દિવાળી વેકેશન પૂર્ણ થતાં આજે લાભ પાંચમના શુભ મુહૂર્તમાં માર્કેટિંગ યાર્ડ શરૂ થયા હતા. માર્કેટિંગ યાર્ડ શરૂ થતાની સાથે જ મોટા પ્રમાણમાં મગફળી આવક થવા પામી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે રેકોર્ડ બ્રેક મગફળીની આવક થઈ હતી. એક લાખથી પણ વધુ મગફળીની ગુણીની આવક થઈ હતી. મગફળીની આવક મોટા પ્રમાણમાં થતા જ યાર્ડમાં હાલ પૂરતી મગફળીની આવક બંધ કરવામાં આવી છે. યાર્ડ બહાર મગફળી, કપાસ સહિતની વિવિધ જણસી ભરેલા 750 વાહનોની અંદાજે 8 કિમી લાંબી લાઈન લાગી હતી. આજે લાભ પાંચમના દિવસે બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે મુહૂર્તનાં સોદા કરવામાં આવ્યા હતા. જેમાં મગફળીની 1 લાખ ગુણીની આવક થઈ છે અને રૂ. 1250 સુધીના ભાવ બોલાયા હતા. જો કે, ટેકાનાં ભાવ કરતા ઓછા ભાવ મળતા ખેડૂતોમાં થોડી નિરાશા જોવા મળી હતી. આજે પ્રથમ દિવસે મગફળી ઉપરાંત કપાસ અને સોયાબીન જેવી અન્ય જણસીની પણ ખૂબ સારી આવક થઈ હતી.
સૌરાષ્ટ્રનું સૌથી અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીની રજાઓ બાદ લાભ પાંચમના દિવસે વિવિધ જણસીની આવક જોવા મળી હતી. મગફળી, લસણ, સોયાબીન, ડુંગળી, કપાસ સહિતની જણસીની આવક નોંધાઈ હતી. મગફળીની અંદાજે 1.10 લાખ ગુણીની આવક નોંધાઈ હતી જેના 20 કિલોના ભાવ 900થી 1250 સુધીના ભાવ બોલાયા હતા. જ્યારે યાર્ડમાં સોયાબિનના અંદાજે 50 હજાર કટ્ટાની આવક નોંધાઈ હતી અને હરાજીમાં સોયાબિનના 20 કિલોના ભાવ 750થી 900 સુધીના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત કપાસની 15 હજાર ભારીની આવક નોંધાઈ હતી અને હરાજીમાં કપાસના 20 કિલોના ભાવ 1450થી 1550 સુધીના ભાવ બોલાયા હતા. જ્યારે ડુંગળીની 30 હજાર કટ્ટાની આવક નોંધાઈ હતી અને હરાજીમાં ડુંગળીના 20 કિલોનો ભાવ 400થી 981સુધીના ભાવ બોલાયા હતા.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ખરીફ પાક ગણાતા મગફળીમાં ચાલુ વર્ષે પાક લેટ થતા તેમજ દિવાળીની રજાઓ બાદ માર્કેટ યાર્ડો લાભ પાંચમથી શરૂ થતાં પ્રથમ દિને જ મગફળીની પુષ્કળ આવક થતા માર્કેટયાર્ડ ધમધમતાં થયા હતાં. ડીસા માર્કેટ યાર્ડમાં મુહૂર્તના દિવસે જ 60 હજારથી વધુ બોરીની મગફળીની આવક નોંધાઇ હતી. જો કે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની હોવા છતાં હજુ સુધી કેન્દ્ર શરૂ થયું ન હોવાથી અનેક ખેડૂતો રાહ જોઈ રહ્યાં છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના હિંમતનગર, મહેસાણા, ઊંઝા સહિત તમામ યાર્ડમાં આજે સવારથી ધમધમાટ જોવા મળ્યો હતો. ગામેગામથી ખેડુતો માલ વેચવા માટે ઉમટી પડ્યા હતા. ડીસા માર્કેટયાર્ડમાં પ્રથમ દિવસે જ 60,000થી વધુ બોરીની મગફળીની આવક નોંધાઇ હતી. મુહૂર્તના સોદામાં મગફળીના એવરેજ ભાવ 1125થી લઈ 1350 જેવા રહ્યા હતા. જ્યારે સૌથી ઊંચા ભાવ રૂપિયા 1481 પ્રતિ મણના બોલાયા હતા.