ગુજરાતમાં એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ 17 કરોડ વૃક્ષો વવાયા
- દેશમાં એક પેડ માં કે નામ હેઠળ કુલ 121 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર
- બોટાદ જિલ્લામાં 4.48 લાખ અને કચ્છના માંડવીમાં 3.64 લાખ રોપાઓનું વાવેતર
- વર્ષ 2024-25માં 21,076 માનવ દિનની રોજગારી અપાઈ
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં કુલ 121 કરોડ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જે હેઠળ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રેકોર્ડ બ્રેક એવા કુલ 17 કરોડથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે.
ગુજરાતમાં તા. 31 જાન્યુઆરી 2015ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વન વિભાગ દ્વારા બોટાદ જિલ્લામાં રૂ. 334 લાખના ખર્ચે અંદાજે 4.48 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં રૂ. 167 લાખના ખર્ચે 3.64 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું.
વન રાજ્ય મંત્રી મુકેશ પટેલે પેટા પ્રશ્નનો પ્રત્યુતર આપતા ગૃહમાં કહ્યું હતું કે, ક્ષેત્રીય વનકરણમાં માંડવીમાં 435 હેક્ટર વિસ્તારમાં વાવવામાં આવેલા આ રોપાઓમાંથી હાલ અંદાજે 2.97 લાખ રોપા જીવંત છે. આ રોપાઓના વાવેતર થકી વર્ષ 2023-24માં કુલ 21,787 માનવ દિનની રોજગારી અપાઈ છે, જે પેટે રૂ. 1.66 કરોડની રકમ ચૂકવાઇ છે. જ્યારે વર્ષ 2024-25માં 21076 માનવ દિનની રોજગારી અપાઈ છે જે માટે રૂ.1.33 કરોડની રકમ પણ ચૂકવવામાં આવી છે. આ વનમાં વિવિધ સહભાગી સંસ્થાઓ દ્વારા ગૂગળ, દેશી બાવળ, ગોરસ આંબલી, ઉમરો સહિતના રોપાઓ વાવવામાં આવ્યા છે, આ વન નિર્માણ થકી પર્યાવરણની સમતુલા જળવાઈ રહેશે.
બોટાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરવામાં આવેલ નોંધપાત્ર કામગીરીની વિગતો આપતાં મંત્રી પટેલે કહ્યું હતું,
“એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લામાં 21 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં 6.75 હેક્ટર વિસ્તારમાં ૫ સ્થળોએ વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે.
“એગ્રોફોરેસ્ટ્રી” યોજના અંતર્ગત વર્ષ 2023-24 દરમિયાન 186 હેક્ટર વિસ્તાર અને વર્ષ 2024-25 દરમિયાન કુલ 317 હેક્ટર વિસ્તારમાં ખેડૂતો દ્વારા માલિકીની જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે.
“અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર” મોડલ હેઠળ 4 અમૃત સરોવર ફરતે વાવેતર કરવામાં આવ્યું છે. તેમજ 7 વન કુટિરનું નિર્માણ, બોટાદ તાલુકાના તાજપર ગામે એક પંચવટી વિકાસ કેન્દ્રનું તેમજ ત્રણ અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાણપુર તાલુકાના સુંદરીયાણા ગામે એક પવિત્ર ઉપવનનું નિર્માણ સહિત જિલ્લામાં 25 કિસાન શિબિરની સાથે જિલ્લામાં કુલ બે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં જિલ્લામાં કુલ 825 કલમી ફળાઉ રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.