ગાંધીનગરમાં 24 કલાક પાણી યોજનામાં હજુ 10 હજાર ઘરોમાં મીટર જ લાગ્યા નથી
- 24 કલાક પાણી આપવા માટે પાઈપલાઈનની કામગીરી પૂર્ણ
- સેકટર 1થી 13માં પાણીની પાઈપલાઈન બદલવામાં નહીં આવે
- નવા સેક્ટરોમાં પાણીના મીટરો લગાવવાના બાકી
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના લોકોને 24 કલાક પાણી આપવાની કરોડો રૂપિયાના ખર્ચે યોજના બનાવવામાં આવી છે. આ પાણી પ્રોજેક્ટના કામો ઘણા સમયથી ચાલી રહ્યા છે. જોકે હજુ સેક્ટર 1થી 13માં 10 હજાર ઘરોમાં પાણીના મીટર મુકવાના બાકી છે, ઉપરાંત નવા સેક્ટરોમાં દરેક ઘરોમાં મીટર લગાવવાના પણ બાકી છે. એટલે અધૂરા કામો ક્યારે પુરા થશે તે નક્કી નથી.
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ગાંધીનગરમાં 24 કલાક પાણી આપવાની યોજનામાં કામગીરી વિલંબ થઇ રહી છે. ઉચ્ચકક્ષાએથી અપાયેલી સૂચનાને પગલે હવે ઝડપ વધારવામાં આવી છે. જોકે હજુ પણ સેક્ટર-1થી 13માં 10 હજાર જેટલા ઘરોમાં પાણીના મીટર લગાવવાના બાકી છે. પરંતુ પાઇપલાઇનને લગતી તમામ કામગીરી પૂર્ણ થઇ ગઇ હોવાથી નવી સિસ્ટમ રન કરવાની કામગીરીની સાથે જ મીટરો લગાવવાનું કામ ચાલું રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. 229 કરોડની આ યોજનામાં સમગ્ર શહેરની વર્ષો જૂની પાણીની પાઇપલાઇન બદલી દરેક ઘરે મીટર નાંખવાના કામનો સમાવેશ થતો હતો. જે મુજબ સેક્ટર- 14થી 30માં પાઇપલાઇન નાંખવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને હાલ ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. આ સેક્ટરોમાં કુલ 10 હજાર જેટલા ઘરોમાં મીટર પણ નાંખી દેવામાં આવ્યા છે. દરમિયાનમાં નવા સેક્ટરોની પાણીની હયાત લાઇન ફોર્સ સહન કરી શકે તેવી ક્ષમતા ધરાવતી હોવાથી તેને નહીં બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિણામે સેક્ટર-1થી 13માં પાણીની પાઇપલાઇન બદલવામાં આવશે નહીં અને હયાત પાઇપલાઇનમાં જ 24 કલાક પાણીની યોજનાની મેઇન લાઇનનું જોડાણ આપવામં આવશે. નવા સેક્ટરોમાં દરેક ઘરોમાં મીટર લગાવવાના પણ બાકી છે.
ગાંધીનગરમાં 24 કલાક પાણીની યોજના શરૂ થઇ ત્યારથી જ તેની કામગીરી વિવાદમાં આવી છે. આડેધડ ખોદકામ અને યોગ્ય પુરાણોના અભાવે ચારેતરફ ખાડા પડવા સહિતની સ્થિતિ તેમજ ધીમી ગતિએ ચાલતા કામને લઇને સચિવાલય સુધી ફરિયાદોનો દોર ઉઠ્યો હતો. પરિણામે એજન્સીઓ અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠકો યોજી તાકીદ કરવામાં આવતા આ કામગીરીમાં આખરે ઝડપ આવી છે. નવા સેક્ટરોમાં મીટર લાગવાની રાહ જોયા વિના ટેસ્ટીંગ પૂર્ણ કરવા અને સિસ્ટમ રનીંગ કરવાની સૂચના આપવામાં આવી છે.