ગાંધીધામમાં 15 નબીરાઓએ પૂરફાટ ઝડપે કાર દોડાવીને સ્ટંટ કર્યો, આખરે પકડાયા
- નબીરાઓ સોશ્યલ મીડિયામાં રીલ મુકવા એરગન લઈ સ્ટંટ કર્યો હતો
- ઈન્સ્ટ્રાગ્રામ પર વિડિયો અપલોડ કરતા પોલીસે કાર્યવાહી કરી
- પોલીસે 6 કાર પણ જપ્ત કરી તમામ નબીરા સામે ગુનો નોંધ્યો
ગાધીધામઃ સોશ્યલ મીડિયાના જમાનામાં કેટલાક યુવાનો રિલ મુકીને ભાઈબંધ-દોસ્તારોમાં વટ પાડવા માટે સ્ટંટ કરીને મુશ્કેલીમાં મુકાતા હોય છે. આવો જ એક બનાવ ગાંધીધામમાં બન્યો હતો. શહેરનાં આદિપુર રોડ પર 10 જેટલી કાર લઇ જાહેર રોડ પર જોખમી રીતે સ્ટંટ કરી યુવાનોએ આખું ગાંધીધામ માથે લીધું હતુ. જેમાં 10 થી વધારે યુવાનોએ સોશિયલ મીડિયામાં ફેમસ થવા હાથમાં પિસ્તોલ જેવી દેખાતી એરગન લઇ જાહેર રસ્તા પર કાર બહાર લટકી અને બેફામ કાર દોડાવી પોતાનું વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. જે વીડિયો પૂર્વ કચ્છ પોલીસની નજરે ચડતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 15 નબીરાને પકડ્યા છે. તેમજ 6 કાર જપ્ત કરીને તમામ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગતો એવી હતી કે, ગત 7 ફેબ્રુઆરીનાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર એક રીલ ખુબ ઝડપથી વાયરલ થઇ હતી. જેમાં અલગ અલગ કારમાં 10થી વધારે યુવાનોએ પોતાનો જીવ તેમજ રોડ પર ચાલતા રાહદારીઓ અને અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી પોતાની કાર ગાંધીધામનાં શિણાય - આદિપુર રોડ પર ખુબ જ પુરઝડપે અને જોખમી રીતે ચલાવી હાથમાં એરગન લઇ જાહેર રોડ પર સીનસપાટા કરી સોશિયલ મીડિયા પર ફેમસ થવા તે વિડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધો હતો. જે વીડિયો ખુબ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ઈન્સ્ટ્રાગ્રામ પર અપલોડ થયેલા વિડિયોમાં યુવાનો જાહેર રસ્તા પર બેફામ સ્ટંટ કરતા જોવા મળ્યા હતા જેમાં એક વારતો કાર ચાલકે પોતાના સ્ટીયરિંગ ઉપર કાબુ પણ ગુમાવી દીધું હતું. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી તેમજ અમુક નબીરાઓ તો કારની બહાર લટકી પોતાના હાથમાં એરગન લઇ સીનસપાટા માર્યા હતા.જેમાં આસપાસનાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોખમી રીતે સ્ટંટ કરતા યુવાનોનું વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થતા પૂર્વ કચ્છ પોલીસ એક્શનમાં આવી હતી.જેમાં લોકોમાં ભયનો માહોલ પેદા કરતા અને પોતાની સાથે અન્યોનું પણ જીવ જોખમમાં નાખનાર નબીરાઓને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર શિણાય ખાતે આવેલી આત્મીયા વિધાપીઠ સ્કૂલમાં 12માં ધોરણમાં ભણતા વિધાર્થીઓ માટે ફેરવેલ ફન્શન યોજવામાં આવ્યો હતો. જે પોગ્રામમાં જતી વેળાયે 12માં ધોરણનાં 12 વિદ્યાર્થી અને બાકી તેમના ત્રણ મિત્રોએ 10 જેટલી કારો લઇ મુન્દ્રા સર્કલથી સ્કૂલ સુધીનાં 5 કિલોમીટરનાં દાયરામાં રીત સરનું સરઘસ કાઢયું હતુ. જેમાં નબીરાઓએ સ્પીડમાં કાર ચલાવી હાથમાં એયરગન લહેરાવી રીતસરનો ભયનો માહોલ ઉભો કર્યો હતો. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી. અને 15 નબીરાની પકડીને 6 કાર કબ્જે કરી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.