ભાવનગરના પીંજારાવાડમાં બે ધાર્મિક સહિત દબાણો હટાવાયા
- કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો
- દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાતા લોકોના ટોળાં ઉમટ્યાં
- દબાણ હટાવવાની કામગીરીનું વિડિયો રેકોર્ડિંગ કરાયું
ભાવનગરઃ શહેરના બાર્ટન લાયબ્રેરી વિસ્તારમાં આવેલા પીંજારાવાડમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. પોલીસના બંદોબસ્ત સાથે પિંજરાવાડ સ્થિત બે ધાર્મિક દબાણનો સફાયો કરવામાં આવ્યો હતો અને જમીન હસ્તગત કરવામાં આવી હતી.
ભાવનગરમાં વિવિધ વિસ્તારોમાં થયેલા દબાણો હટાવવા માટે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો ઝૂંબેશ ચલાવી રહ્યા છે. ગઈકાલે દબાણો દૂર કરવા અંગે ડ્રાઇવર હાથ ધરવામાં આવી હતી. મ્યુનિના એસ્ટેટ વિભાગની ટીમને લેખિતમાં ફરિયાદ મળી હતી કે શહેરના બાર્ટન લાઈબ્રેરી વિસ્તારમાં આવેલા પીંજારાવાડમાં બે ધાર્મિક દબાણો કરાયેલા છે. આ માહિતી આધારે એસ્ટેટ વિભાગના ઓફિસર સુરેન્દ્રસિંહ રાણા તથા ટીમ દ્વારા અગાઉ નોટીસો પણ ફટકારવામાં આવી હતી, આમ છતાં દબાણો ન હટાવતા ગઈકાલે મ્યુનિના એસ્ટેટ વિભાગની ટીમ પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચી હતી અને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. . આ કામગીરી વેળાએ લોકોના ટોળેટોળાં સ્થળ પર એકઠા થયા હતા એક તબક્કે દબાણો હટાવવા સામે સ્થાનિકોએ તંત્ર પર પ્રેશર પણ કર્યું હતું. પરંતુ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ મક્કમ મન સાથે કામગીરી આગળ ધપાવી હતી અને ગણતરીના સમયમાં જ બંને દબાણો ધરમૂળથી દૂર કર્યા હતા બંને દબાણનો કાટમાળ ભરાવી લઈ જગ્યા ખુલી કરી સમગ્ર જગ્યાનું વિડીયો રેકોર્ડિંગ કરી સરકારી જમીન હસ્તગત કરી હતી, બનાવ સમયે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો કાફલો સ્થળ પર હાજર રહ્યો હતો.