ભાવનગર યાર્ડમાં શ્રમિકો અને ડુંગળી ખેડુતો વચ્ચે માથાકૂટ થતાં યાર્ડ બંધ રહ્યું
- ડુંગળી વેચવા માટે આવતા વાહનોની લાંબી લાઈનો લાગે છે
- ડુંગળી ઉતારવાના મુદ્દે મજુરો અને ખેડુતો વચ્ચે થતી બોલાચાલી
- મજુરોએ હડતાળ પાડી, ખેડુતોએ યાર્ડના દરવાજા બંધ કર્યા
ભાવનગરઃ ગોહિલવાડમાં આ વખતે ડુંગળીનું મબલખ ફત્પાદન થયુ છે. રાતથી યાર્ડ બહાર ડુંગળી ભરેલા વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે. યાર્ડ લાલ ડુંગળીની આવકથી ઊભરાઈ ગયું છે. દરમિયાન યાર્ડમાં આજે મજૂરો અને ખેડૂતોના પ્રશ્ને ડુંગળીની હરરાજી બંધ રહી હતી. છેલ્લા 5 દિવસથી મજૂરો અને ખેડૂતો વચ્ચે માથાકૂટ થતી જોવા મળી રહી છે. આ અંગેની મજૂરોની રજુઆત બાદ પણ કોઈ નિરાકરણ ના આવતા મજૂરોએ હડતાળ પાડીને ખેડૂતોની ડુંગળી ઉતારવાની ના પાડી દીધી હતી. જેથી આજે ડુંગળીની હરાજી બંધ રહી હતી. જ્યારે બીજીબાજુ રોષે ભરાયેલા ખેડૂતોએ યાર્ડના દરવાજા બંધ કરી પોતાનો રોષ ઠાલવી તાકીદે હરાજી શરૂ કરવા માંગ કરી હતી.
ભાવનગર જિલ્લો એ ડુંગળી ઉત્પાદનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. જેમાં જાન્યુઆરી માસમાં ડુંગળીનો પાક તૈયાર થઇ જતાં મોટી સંખ્યામાં ખેડૂતો ડુંગળી વેચાણ માટે યાર્ડમાં આવતા હોય છે. ભાવનગર યાર્ડમાં ડુંગળીનો વિપુલ જથ્થો ઉતરી જતા અને હજુ બીજા વૈકલ્પિક યાર્ડની વ્યવસ્થાના અભાવે મજૂરોને ભારે મુશ્કેલી પડી રહી છે. એકીસાથે અનેક ગાડીઓમાં ખેડૂતો પોતાની ડુંગળી લાવતા તેને ઉતારવા બાબતે મજૂરો અને ખેડૂતો તેમજ ખેડૂતોની ડુંગળી લાવતા વાહનચાલકો વચ્ચે બોલાચાલી થાય છે. આ અંગે મજૂરો દ્વારા ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી કે, 50 ગાડીઓને એકીસાથે પ્રવેશ આપવામાં આવે અને એ ઉતરી ગયા બાદ બીજી 50 ગાડીને પ્રવેશ આપવામાં આવે જેથી ડુંગળી યોગ્ય જગ્યા પર સમયસર ઉતરી શકે અને મજૂરોને ખેડૂતોના રોષનો ભોગ ન બનવું પડે. પરંતુ આજે ફરી ખેડૂતો મોટી સંખ્યામાં ડુંગળી લઈને યાર્ડમાં વેચાણ માટે પહોંચ્યા હતા. પણ ખેડૂતો સાથે રોજ થતી માથાકૂટથી કંટાળીને મજૂરો હડતાળ પર ઉતરી જતાં કામકાજ ઠપ થઈ ગયું હતું. બીજીબાજુ ડુંગળીની હરરાજી બપોર બાદ શરૂ કરવાનું નક્કી કર્યા બાદ પણ શરૂ નહીં થતા ખેડૂતો રોષે ભરાયા હતા. રોષે ભરાયેલા ખેડૂતોએ યાર્ડના દરવાજા બંધ કરી તેમજ યાર્ડના બીજા ગેઇટમાં સિમેન્ટના મોટા પાઇપ આડા મૂકી પ્રવેશ અટકાવતા પોલીસને બોલાવવી પડી હતી અને પોલીસે ગેઇટ ખોલાવી અન્ય વાહનોને પ્રવેશ કરાવ્યો હતો. પરંતુ હજુ સુધી મજૂરો સાથે ના ખરાબ વર્તન અંગે કોઈ નિર્ણય ના આવતા આજે દિવસ ડુંગળીની હરરાજી બંધ રહેતા ખેડૂતોને ભારે મુશ્કેલી પડી હતી.
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં રાત્રી દરમિયાન પુરતો સિક્યુરિટી સ્ટાફ ન હોવાથી ખેડૂતોની જણસો ચોરાવવાના બનાવો બની રહ્યા છે. યાર્ડમાં સીસીટીવીનો અભાવ છે. તેથી ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. યાર્ડમાં આજે હરરાજી બંધ રહેતા અને ખેડૂતો પોતાની ડુંગળી યાર્ડમાં સતત વેચાણ માટે લાવી રહ્યા હોય ત્યારે યાર્ડમાં ડુંગળીનો વિપુલ જથ્થો ખડાકાઇ જતા વેપારીઓ નીચા ભાવે ડુંગળી ખરીદી ખેડૂતોને ભારે આર્થિક નુકશાન આપી રહ્યાનો ખેડૂતોએ આક્ષેપ કરી રહ્યા છે,