બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ હવે હિન્દુઓ બાદ ખ્રિસ્તીઓને બનાવ્યાં નિશાન, 17 ઘર સળગાવ્યાં
નવી દિલ્હીઃ શેખ હસીના સરકાર ગબડાવ્યા પછી બાંગ્લાદેશના જમાતે ઇસ્લામી સહિતના કટ્ટરવાદી સંગઠનો મજબુતીથી આગળ વધી રહ્યા છે. બાંગ્લાદેશમાં વસતા હિંદુઓ અને ખ્રિસ્તી, બૌદ્ધ સહિતના સમુદાયો પર અત્યાચાર કરી રહ્યા છે. ત્યારે એક ચોંકાવનારા સમાચાર બાંગ્લાદેશથી સામે આવ્યા છે. જે અનુસાર કટ્ટરપંથીઓએ ક્રિસમસ પર 17 ખ્રિસ્તીના ઘર ફૂંકી માર્યા હતા, જયારે ખ્રિસ્તીઓ પ્રેયર કરવા ચર્ચ ગયા ત્યારે ઉપદ્રવીઓએ તેનો ગેરલાભ ઉઠાવીને આ કૃત્ય આચર્યું હતું. આમ બાંગ્લાદેશમાં હવે હિંદુ પછી ખ્રિસ્તીઓના જીવ પર લટકતી તલવાર જોવા મળી રહી છે. આ સમાચારના પડઘા વિશ્વભરમાં રહેતા ખ્રિસ્તી સમુદાય પર પડી રહ્યા છે.
અમેરિકામાં તાજેતરમાં જ ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ તૃમ્પે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર મુદ્દે બાંગ્લાદેશની યુનુસ સરકારને રીતસર ચેતવ્યા હતા અને તાત્કાલિક આવી ઘટનાઓ રોકવા આદેશ આપ્યા હતા. ત્યારે હવે તે આદેશનો છડેચોક ભંગ થતો હોય તેવી ઘટના સામે આવી છે. બાંગ્લાદેશમાં ક્રિસમસના તહેવાર પર ખ્રિસ્તી સમુદાયના લોકોના 17 ઘર સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના બાંગ્લાદેશમાં બંદરબન જિલ્લાના ચટગાંવ ક્ષેત્રના પહાડી વિસ્તારમાં બની હતી. પીડિતોનો દાવો છે કે જ્યારે તેઓ ક્રિસમસ પ્રસંગે પ્રાર્થના કરવા ચર્ચમાં ગયા હતા ત્યારે તેનો ગેરલાભ ઉઠાવીને તેમના ઘરોને આગ ચાંપવામાં આવી હતી.
ખ્રિસ્તી સમુદાયના લોકોએ જણાવ્યું કે, આ ઘટનામાં તેમને ભારે નુકસાન થયું છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે આગ લગાડવાના સંબંધમાં કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી, પરંતુ જો ફરિયાદ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, બંદરબનના લામા સરાયના એસપી ગાર્ડનમાં ત્રિપુરા સમુદાયના 19 ખ્રિસ્તી પરિવારો રહેતા હતા. આ બગીચો હસીના સરકારના ઉચ્ચ અધિકારી બેનઝીર અહેમદનો છે. તે એસપી ગાર્ડન તરીકે ઓળખાય છે.
હસીના સરકારના પતન પછી હિંસક હુમલાના ડરથી 5 ઓગસ્ટ ૨૦૨૪ પછી બેનઝીર અહેમદ અને તેના પરિવારના સભ્યોએ આ વિસ્તાર છોડી દીધો હતો. આ પછી ત્રિપુરા સમુદાયના 19 પરિવારો આવ્યા અને અહીં રહેવા લાગ્યા હતા. સાંજે, જ્યારે દરેક લોકો ક્રિસમસ પર પ્રાર્થના કરવા માટે પડોશી ગામના ચર્ચમાં ગયા હતા, ત્યારે કટ્ટરપંથીઓએ તેનો ગેરલાભ ઉઠાવીને ઘરોને સળગાવી દીધા હતા. ખ્રિસ્તી સમુદાયના લોકોએ કહ્યું કે આ તેમની જમીન છે. પહેલા આ વિસ્તારનું નામ તંગઝીરી પારા હતું. તેને બેનઝીર અહેમદના લોકોએ કબજે કરી લીધું અને નામ બદલીને એસપી ગાર્ડન કરી દેવામાં આવ્યું.
પીડિત પરિવારના સભ્ય ગંગા મણિ ત્રિપુરાએ જણાવ્યું હતું કે તેમને 17 નવેમ્બરથી વિસ્તાર ખાલી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. તેઓ અહીં રહેવા માટે મોટી રકમની માંગણી કરતા હતા. ગંગાએ કહ્યું કે તેમણે લામા પોલીસ સ્ટેશનમાં સ્ટીફન ત્રિપુરા સહિત 15 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. હવે ઘર સળગી જવાના કારણે તમામ પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે. ગંગાએ કહ્યું કે હવે અમારી પાસે કંઈ નથી કે ઘર બળીને રાખ થઈ ગયું છે.