બનાસકાંઠા જિલ્લામાં આ વખતે બટાકાના ઉત્પાદનમાં 30 લાખ કટ્ટાનો વધારો થશે
- ગત વર્ષે સારા ભાવ મળતા આ વખતે બટાકાના વાવેતરમાં વધારો થયો
- ગત વર્ષે જ્યાં 52,100 હેક્ટર વિસ્તારમાં વાવેતર હતું
- આ વર્ષે 61000 હેકટરમાં બટાકાનું વાવેતર થયું
ડીસાઃ બનાસકાંઠામાં આ વર્ષે બટાકાના વાવેતરમાં વધારો થતાં બટાકાના ઉત્પાદનમાં 30 લાખ કટ્ટાનો વધારો થાય તેવી શક્યતા છે. ગત વર્ષે જિલ્લામાં રાયડા અને એરંડામાં ઉતાર ઓછો આવ્યો હતો. અને ખેડૂતોને પૂરતું વળતર મળ્યું નહોતું. એની સામે બટાટાના ભાવો સારા રહ્યા હતા. તેથી આ વર્ષે બટાકાના વેવાતરમાં 9 હજાર હેક્ટર વિસ્તારનો વધારો થતાં તેના ઉત્પાદનમાં વધારો થશે.
બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે 52,100 હેક્ટર વિસ્તારમાં બકાટાનું વાવેતર હતું જે વધીને આ વર્ષે 61,000 જેટલુ થયું છે. અધુરામાં પૂરું ખાનગી કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ કરીને બટાકાની ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં પણ પાછલા બે વર્ષથી ખાસ્સો એવા વધારો થયો છે. એમાં પણ સાડા પાંચ લાખ કટ્ટાનું જે વાવેતર વધ્યું છે એમાં માત્ર 4.50 લાખ કટ્ટા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી કંપનીના વધ્યા છે. બટાટાના પ્રતિ 20 કિલોએ ભાવ જોઈએ તો પુખરાજ 150 થી 180, ખ્યાતિ 180 થી 200, બાદશાહ 211 થી 250, કોલંબા 240 થી 260 જેવો ભાવ બોલાય રહ્યો છે.
ડીસા માર્કેટ યાર્ડના સૂત્રોના કહેવા મુજબ 61,000 હેક્ટર પૈકી 45 લાખ કટ્ટા બિયારણનું વાવેતર થયું છે. જે પૈકી 12 થી 13 લાખ કટ્ટા બિયારણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગના છે. જેના લીધે આ વર્ષે સાડા ત્રણ કરોડથી વધુ કટ્ટા જેટલું બટાટાનું ઉત્પાદન થવાની ધારણા છે. આ વખતે સાનુકૂળ હવામાનને લીધે બટાકાનુ ઉત્પાદન પણ સારું થયું છે. 25 થી 30 લાખ કટ્ટાનું ઉત્પાદન વધ્યું છે. બનાસકાંઠામાં 201 કોલ્ડ સ્ટોરેજ હતા જે વધીને આ વર્ષે 217 થયા છે. જોકે કેટલાક ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે "બટાકાના પ્રતિ મણના ભાવ હાલમાં 180 થી 200 રૂપિયા મળી રહ્યા છે, માર્કેટમાં બટાકાની આવક વધતાં ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે.