આણંદ જિલ્લામાં યુરિયા ખાતરનો જરૂરિયાતથી ત્રીજા ભાગનો જથ્થો ફાળવાયો
- 7000 મે.ટનની જરૂરિયાત સામે 2500 મે.ટન જથ્થો ફાળવાયો,
- યુરિયા ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન,
- તમામ ડેપો પર ખેડૂતોની લાગતી લાઈનો
આણંદઃ ગુજરાતભરમાં રવિ સીઝનમાં ખેડુતો યુરિયા ખાતર માટે ફાંફા મારી રહ્યા છે. તમામ જિલ્લાઓમાં યુરિયા ખાતરનો કકળાટ જોવા મળી રહ્યા છે. આણંદ જિલ્લામાં હાલ શિયાળું પાકનું વાવેતર પૂર્ણ થવાના આરે છે. જિલ્લામાં અત્યારસુધીમાં 70452 હેક્ટરમાં રવી પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રવી પાક માટે વણાંકબોરી ડેમમાંથી 1850 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. તેમજ સાત હજાર મેટ્રિક ટન યુરિયાની જરૂરિયાત સામે 2500 મેટ્રિક ટન યુરિયાની ફાળવણી કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે.
આણંદ ખેતીવાડી વિભાગમાંથી મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં જિલ્લામાં 30093 હેક્ટરમાં ઘઉં, 1020 હેક્ટરમાં ચણા, 45,754માં તમાકુ, 11,312માં શાકભાજી, 8076માં ઘાસચારો, 292માં ચિકોરી, 465માં શક્કરિયા અને 198માં રાજગરો સહિત કુલ 70,452 હેક્ટરમાં રવી પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં રવી પાકમાં મુખ્યત્વે તમાકુનું વધુ વાવેતર થતું હોય છે. તેમજ ઠંડી વધતા બટાકાનું પણ વાવેતર શરૂ થયું છે. તેવામાં વણાંકબોરી ડેમમાંથી રવી પાક માટે માત્ર 1850 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. પરિણામે જિલ્લાના છેવાડાના ગામડાઓ અને ઉંચા વિસ્તારોના ગામડાઓમાં સિંચાઈ માટે પાણી પહોંચશે કે કેમ તે અંગે ખેડૂતોમાં ચિંતા ફરી વળી છે. ઉપરાંત સામાન્ય રીતે દરવર્ષે રવી સિઝન માટે જિલ્લામાં સાત હજાર મેટ્રિક ટન યુરિયાની જરૂરિયાત ઉભી થતી હોય છે. તેની સામે ચાલુ વર્ષે સરકાર દ્વારા જિલ્લામાં માત્ર 2500 મેટ્રિક ટન યુરિયાની ફાળવણી કરી છે. પરિણામે બાકીના 4500 મેટ્રિક ટન જેટલું યુરિયા ખેડૂતોને ખાનગી ફર્ટિલાઈઝર કંપની પાસેથી ખરીદવાની નોબત આવશે. યુરિયાની અછતના કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
ખેડૂતો સેવા સહકારી મંડળીઓ અને પ્રધાનમંત્રી કૃષિ સેવા કેન્દ્રો ઉપર યુરિયા ખાતર મેળવવા માટે લાઈનો લગાવી રહ્યા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, યુરિયાની થેલી રૂ.270ના ભાવે મળી છે પરંતુ યુરિયાની ખરીદી કરવા જઈએ ત્યારે ફર્ટિલાઈઝર ડેપો તથા માર્કેટિંગ યાર્ડ દ્વારા 500 ગ્રામ યુરિયાની બોટલ રૂ.275માં લેવાની ફરજ પાડે છે. તેમજ લિક્વિડ યુરિયા ન લઈએ તો યુરિયા ખાતર આપવાની ના પાડતા હોવાથી ફરજિયાત લેવું પડે છે. લિક્વિડ યુરિયાને પંપ દ્વારા ખેતરમાં છાંટવુ પડતું હોવાથી મજૂર રાખવો પડે છે, જેથી ખર્ચો વધી જાય છે.