અમદાવાદમાં ખાણી-પીણીના ચેકિંગમાં લાપરવાહી અંગે મ્યુનિ.કમિશ્નરએ ઠપકો આપ્યો
- અસહ્ય ગરમીમાં રોગચાળો ન ફેલાય તે માટે ખાણી-પીણીનું ચેકિંગ કરવા સુચના
- મ્યુનિ.કમિશનરે રિવ્યુ બેઠકમાં સવાલ પૂછતાં ફૂડ અધિકારીઓ જવાબ ન આપી શક્યા
- રિવ્યુ બેઠકમાં હીટ એક્શન પ્લાનની પણ સમિક્ષા કરાઈ
અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો છે. ત્યારે ગરમીમાં ખાદ્ય ચિજ-વસ્તુઓ બગડી જતી હોવાથી રોગચાળો ન ફેલાય તે માટે લારી-ગલ્લા તેમજ નાના વાહનોમાં ખાદ્ય ચિજ-વસ્તુઓ વેચનારા સામે તથા સિકંજી અને શેરડીના વેચાણ સામે કડક ચેકિંગ કરવા મ્યુનિ.કમિશનરે અગાઉ સુચના આપી હતી. દરમિયાન એએમસીની રિવ્યુ બેઠકમાં મ્યુનિ.કમિશનરે ફુડ વિભાગના અધિકારીઓ પાસે કામગીરીનો રિપોર્ટ માંગ્યો હતો. પણ ફુડ વિભાગના અધિકારીઓ સંતોષકારક જવાબ ન આપી શકતા મ્યુનિ. કમિશનરે અધિકારીઓને ખખડાવ્યા હતા.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર રોડ ઉપર લારી-ગલ્લા અને નાના વાહનોમાં ખાદ્ય પદાર્થના વેચાણ તેમજ સિકંજી અને શેરડીનો રસ વગેરેના વેચાણના ચેકીંગ કરવાને લઈને મ્યુનિના ફૂડ વિભાગના અધિકારીઓને મ્યુનિ. કમિશનરને ખખડાવ્યા હતા. રીવ્યુ મીટીંગ દરમિયાન કમિશનર બંછાનિધિ પાનીએ શેરડીના રસના ખુમચા, મંડપો તેમજ જાહેર રોડ પર વેચાણ કરતા આવા કેટલા વેપારીઓ હશે તે અંગેની સંખ્યા પૂછતા અંદાજે બે લાખ જેટલા હોવાનું કહ્યું હતું. આવી જગ્યા ઉપર પર ચેકિંગ કરવાને લઈને શું પ્રક્રિયા છે અને કેવી રીતે કામગીરી થાય છે તેનો સવાલ પૂછતા કુલ વિભાગના અધિકારી જવાબ આપી શક્યા ન હતા.
શહેરના મ્યુનિ કમિશનરે મ્યુનિના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા માટે રિવ્યુ બેઠક બોલાવી હતી, જેમાં શહેરમાં રખરતા ઢોરથી લઈને ગેરકાયદેસર દબાણો અને અન્ય પ્રવૃત્તિ પર નજર રાખી શકાય તેના માટે કોર્પોરેશનનું ડેશ કેમની કામગીરીને લઈ મ્યુનિ. કમિશનર ફરીથી અકળાયા હતા અને હવે જો સંતોષકારક કામગીરી ન હોય તો તેમને પેમેન્ટ કરવા અંગેની ફાઈલ મારી સુધી ન લાવવા માટે વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને કહી દીધું હતું. હિટ એક્શન પ્લાનના પ્રેઝન્ટેશન દરમિયાન ક્યાંક ગરબડ સર્જાઈ હતી, જેને લઈને મ્યુનિ. કમિશનરે તમામ ડેપ્યુટી કમિશનરોને પોતપોતાનાં ઝોન અને વિભાગને લગતાં પ્રેઝન્ટેશન પહેલાં પોતે બરોબર જોઇ લેવા અને પછી જ રીવ્યુ મિટીંગમાં રજૂ કરાવવા સૂચના આપી હતી.
આ ઉપરાંત શહેરમાં ટી.પી. સ્કીમ અંતર્ગત રોડ ખોલવાની અને રિઝર્વ કરાયેલાં પ્લોટનાં કબજા લેવાની કામગીરી ઝડપભેર કરવાની સૂચના પણ એસ્ટેટ વિભાગને આપવામાં આવી હતી. આ સાથે AMCના જ જુદા-જુદા વિભાગો તરફથી પ્લોટ ફાળવવા કરવામાં આવેલી માંગણી સંદર્ભે 25 જેટલા કિસ્સામાં નેગેટિવ અભિપ્રાય આપવાનાં મુદ્દે પણ કમિશનરે એસ્ટેટ ખાતાનાં અધિકારીને બોલ્યા હતા.