અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ
- સરકારે જ ફરિયાદી બનીને 5 સામે ગુનો નોંધ્યો હતો,
- એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની જરુર ન હોવા છતા ઓપરેશન કર્યા,
- ડો. સંજય પટોળિયાની રાજકોટ-સુરતમાં પણ હોસ્પિટલ!
અમદાવાદઃ શહેરમાં ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે હોબાળો મચ્યા બાદ રાજ્ય સરકાર તરફથી હોસ્પિટલના ડોકટર, ડાયરેક્ટર, સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ 19 લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા ડો. પ્રશાંત વઝીરાણીની પોલીસે ધરપકડ કરી છે. આકેસમાં જેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. એવા ડો. સંજય પટોલિયાની રાજકોટમાં પણ એક હોસ્પિટલ આવી હોવાનું કહેવાય છે.
અમદાવાદમાં ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 19 લોકોની એન્જિયોગ્રાફી અને તે પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરાયા બાદ 2 દર્દીઓના મોત થયા હતા. જે મામલે તપાસ બાદ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવતા સોલા સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સીડીએમઓ ડો. પ્રકાશ મહેતાએ ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ પોલીસે ડો. પ્રશાંત વઝીરાણીની પોલીસે ધરપકડ કરી છે. દરમિયાન આજે ખ્યાતિ હોસ્પિટલ સામે NSUIએ દેખાવ કર્યા હતા. NSUIના કાર્યકર્તા હોસ્પિટલની તાળાબંધી કરવા પહોંચ્યા હતા જોકે પોલીસે ટીંગાટોળી કરી NSUI કાર્યકર્તાઓને દૂર કર્યા હતા.
ખ્યાતિકાંડ મામલે હોબાળો મચ્યા બાદ આરોગ્યમંત્રીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી બેઠકમાં હોસ્પિટલ સામે આકરી કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા હતા. આરોગ્યવિભાગ અને પોલીસની આગળની તપાસમાં આ મામલે હજી પણ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે. સોલા સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સીડીએમઓ ડો. પ્રકાશ મહેતાએ 5 સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ડો. પ્રશાંત વઝીરાણી ડો. કાર્તિક પટેલ ડો. સંજય પટોળિયા રાજશ્રી કોઠારી અને સીઈઓ ચિરાગ રાજપૂતનો સમાવેશ થાય છે.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાલીસણા ગામના 19 લોકોને અમદાવાદ લાવી ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરનારા ડો. પ્રશાંત વઝીરાણી સામે ગુનો નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી લીધી છે. 19 દર્દીઓને એન્જિયોગ્રાફીની કે એન્જિયોપ્લાસ્ટીની જરુરીયાત ન હોવા છતા ડો. પ્રશાંત વજીરાણીએ પૈસા કમાવવા તમામના આરોગ્ય સાથે ચેડા કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમની સામે કેસ નોંધાયો છે. એવા ડો. સંજય પટોળિયા ત્રણ શહેરમાં અલગ અલગ નામે હોસ્પિટલ ધરાવતા હોવાનું કહેવાય છે.