અમદાવાદમાં સ્ટ્રોમ વોટર લાઈનમાં કરેલા ગટરોના જોડાણો કાપવા કરાયો આદેશ
- તળાવોમાં ઠલવાતા દૂષિત પાણીને રોકવા મ્યુનિ.કમિશનરે કરી તાકિદ,
- મ્યુનિના તમામ તળાવોની જાળવણી માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ,
- તળાવો પીપીપી ધોરણે ડેવલપ કરાશે
અમદાવાદઃ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન નાંખીને શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવોમાં વરસાદી પાણી ઠલવાઈ એવું આયોજન કરાયુ છે. પણ મ્યુનિના જ કેટલાક કર્મચારીઓના મેળપીપણામાં સ્ટ્રોમ વોટર લાઈન સાથે ડ્રેનેજના જોડાણો જોડી દેવાતા તળાવોમાં ગટરના પાણી ઠલવાઈ રહ્યા છે. આથી મ્યુનિ.કમિશનરે લાલ આંખ કરીને સંબંધિત વિભાગને માર્ચ મહિના સુધીમાં આવા કનેક્શનો શોધીને કાપી નાખવા આદેશ આપ્યો છે.
અમદાવાદના મ્યુનિ. કમિશનરે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા તળાવોની જાળવણી માટે વિશેષ ગાઇડલાઇન બહાર પાડી છે. મ્યુનિ.ના અધિકારીઓ અને પોલીસ વચ્ચે સંકલન માટે મીટિંગ યોજવાની પણ સૂચના આપી છે. જેમાં કામોની સમીક્ષા કરી જરૂર પ્રમાણે ઝડપથી કામગીરી કરવા માટે સૂચના અપાઇ છે. જિલ્લા કલેક્ટર હસ્તકના તળાવોનો કબજો લેવા માટે સંકલન કરવા આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસરની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરાઇ છે. ચોમાસા દરમિયાન તળાવો વરસાદી પાણીથી ભરાઈ રહે તે મુજબનું તેમજ જો એસટીપી આવેલા હોય તો તેના ઓપરેશન મેન્ટેનન્સની જવાબદારી પણ એસટીપીની રહેશે.સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી પણ રાખવાના રહેશે. તળાવોની આસપાસ કાયદાકીય વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ સાથે સંકલન કરવા પણ સુચન કરવામાં આવ્યું છે.
એએમસી કમિશનરે સંબંધિત વિભાગોને શહેરના તળાવોના બ્યુટિફિકેશન માટે પણ ખાસ ધ્યાન આપવા સુચન કર્યુ હતુ. તેમજ તળાવો પીપીપી ધોરણે કે સીએસઆર ફંડમાંથી ડેવલપ કરવા માટે જરૂરી કાર્યવાહી પર ભાર અપાયો છે. ચોમાસામાં તળાવો વરસાદી પાણીથી ભરાય તે સુનિશ્ચિત કરવા, આસપાસ દબાણો હોય તે દૂર કરવા કહેવાયું છે. તમામ સ્ટોર્મ વોટર લાઈનનું ડીશિલ્ટિંગ કરવાનું રહેશે.સબ ઝોનલ કમિટીની અઠવાડિક રિવ્યુ કમિટીની પણ નિમણૂક કરાઈ છે, જેમાં વોર્ડના સ્થાનિક કોર્પોરેટરો અને સોસાયટીના ચેરમેન સેક્રેટરી અને નાગરિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેઓએ તળાવ તેમજ આસપાસની જગ્યામાં વિકાસ અંગે સૂચનો આપવાના રહેશે. કોઈપણ તળાવમાં ડ્રેનેજ કનેક્શન ના થાય તેની તકેદારી રાખવાની રહેશે.