અમદાવાદમાં સ્ટ્રીટલાઈટ કે ડીપીના વાયરો ખૂલ્લા દેખાશે તો કોન્ટ્રાકટરોને 50 હજારનો દંડ કરાશે
- એએમસીના જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેવાશે,
- સ્ટ્રીટ લાઈટ માટે ટૂંક સમયમાં SOP બનાવવામાં આવશે,
- નવા બાંધકામોમાં એક મહિનામાં બીયુ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવાશે
અમદાવાદઃ શહેરમાં સ્ટ્રીટ લાઈટ્સના વાયરો ખૂલ્લા હોવાને લીધે શોર્ટ લાગવાના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં શહેરના નારોલ વિસ્તારમાં વીજ કરંટથી દંપત્તિના મૃત્યુ થવાની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર એલર્ટ બન્યુ છે. અને સ્ટ્રીટ લાઈટ માટે જવાબદારી નક્કી કરતી એસઓપી બનાવવામાં આવી રહી છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો છે કે, શહેરમાં કોઈપણ વિસ્તારમાં રોડની સ્ટ્રીટ લાઇટના વાયરો ખુલ્લા કે ડીપી ખુલ્લી દેખાશે તો કોન્ટ્રાક્ટરને 50 હજાર રૂપિયાનો દંડ કરાશે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીની બેદરકારી જણાશે તો તેની સામે પણ કાયદેસરના પગલાં લેવાશે. આ સૂચનાનો અમલ એક અઠવાડિયા પછી કરાશે.
અમદાવાદ મ્યુનિ,કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, સ્ટ્રીટ લાઈટ માટે ટૂંક સમયમાં SOP બનાવવામાં આવશે. ગુરૂવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં લાઇટ વિભાગના એડિશનલ સિટી એન્જિનિયરને સ્ટ્રીટ લાઇટ સંબંધિત ફરિયાદની વિગત પૂછતાં ઉચક આંકડો કહીં દીધો હતો. જ્યારે તેમને ઝોન વાઇઝ આંકડા પૂછતા જવાબ શક્યા ન હતા અને મૂંઝવાઇ ગયા હતા. તેથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તેમને તાત્કાલિક શો કોઝ નોટીસ આપવા સૂચના આપી છે.
ગુરૂવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં લાંભા વિસ્તારમાં ફુટ ઓવર બ્રિજ બનાવવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. લાંભા તળાવ ખાતે બળિયાદેવનું મોટું મંદિર આવેલું છે. આ મંદિરે દર રવિવારે 10થી 15 હજાર જેટલા લોકો દર્શન કરવા જતા હોય છે. જોકે, મંદિરે જવા માટે લોકોને નારોલ હાઇવે ક્રોસ કરવું પડે છે. જેના કારણે અકસ્માતો થતાં હોય છે અને મહિના ત્રણથી ચાર મોત થતાં હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ફૂટ ઓવર બ્રિજ બનાવવા સ્ટેન્ડિંગ કમિટીએ બ્રિજ વિભાગને સૂચન કર્યું છે. ટૂંક સમયમાં આ અંગેનો પ્રપોઝલ નેશનલ હાઇવેને મોકલાશે.
આ ઉપરાંત શહેરમાં રહેણાંક અને કોમર્શિયલ સ્કીમોનાં બાંધકામ પૂરા થાય તે પછી વપરાશની મંજૂરી આપવામાં વિલંબ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ-ટીડીઓ ખાતા દ્વારા કરવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો સ્ટેન્ડિંગ કમિટી સુધી પહોંચી છે. ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, સાત ઝોનમાં જુદા જુદા પ્રકારની બિલ્ડીંગની 100થી વધુ બીયુ આપવાની બાકી હોવાની માહિતી મળી છે. બીયુ આપવામાં વિલંબ પાછળ કોઇ નક્કર કારણ તેમને મળ્યા નથી તેને ધ્યાને લઇ બીયુ આપવાની સમયમર્યાદા નક્કી હોવી જોઇએ તેવુ તેમને લાગતાં કમિશનરને એક મહિનામાં બીયુ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપવામાં આવી હતી.