અમદાવાદમાં જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી બદલ 25 દુકાનો સીલ કરવામાં આવી
ગાંધીનગરઃ જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી બદલ અમદાવાદના એસજી હાઈવે, ઘાટલોડિયા અને મણિનગરમાં 25 દુકાનો સીલ કરવામાં આવી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અને આદર્શ સફાઈના અભાવ બદલ ગોતા, ઘાટલોડિયા, થલતેજ અને બોડકદેવ વિસ્તારમાં કુલ 8 તેમજ પૂર્વ વિસ્તારમાં મણીનગર, બહેરાપુરા, વટવા સહિતના વિસ્તારોમાં જાહેર રોડ પર ગંદકી કરવા બદલ 17 એમ 25 દુકાનોને સીલ કરી દેવાઇ હતી.
જાહેર માર્ગો પર ગંદકી ફેલાવવા, સ્વચ્છતા ન જાળવવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા એકમો, ડસ્ટબીન નહીં રાખતા એકમો, ચાની લારી, પાનના ગલ્લા, સહિતના એકમોમાં હાથ ધરાયેલી ચેકિંગ ઝુંબેશના ભાગરૂપે વિસ્તારમાં બે દિવસમાં 203 એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ગંદકી કરવા બદલ 128 એકમને નોટિસ અપાઈ છે અને પ્રતિબંધિત પ્લાસ્ટિક 7 કિલો જેટલું જપ્ત કર્યું છે. દોઢ લાખ રૂપિયા જેટલો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે પૂર્વ વિસ્તારના મણીનગર, વટવા અને બહેરામપુરા વિસ્તારમાં એક જ દિવસમાં 357 જગ્યાઓ પર તપાસ કરી 143 નોટિસ આપવામાં આવી છે અને અંદાજે ચાર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક નો જથ્થો જપ્ત કરીને 90 હજાર 500 રૂપિયાનો દંડ વસૂલ્યો છે.