2036 ઓલિમ્પિકમાં, ભારત મેડલ ટેલીમાં ટોચના 10માં હશેઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં આસામ રાઇફલ્સ દ્વારા આયોજિત 'એકતા ઉત્સવ – એક અવાજ, એક રાષ્ટ્ર' કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે આસામ રાઇફલ્સના મહાનિર્દેશક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પૂર્વોત્તર માટે એકતા શબ્દ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વતંત્રતા પછી ઘણાં વર્ષો સુધી, ઉત્તર-પૂર્વનો એક વિશાળ વિસ્તાર ભૌતિક અને ભાવનાત્મક રીતે દિલ્હીથી દૂર હતો. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કનેક્ટિવિટી મારફતે ઉત્તર-પૂર્વ અને દિલ્હી વચ્ચેનું શારીરિક અને ભાવનાત્મક અંતર દૂર કર્યું છે. આજે પૂર્વોત્તર સમગ્ર ભારતનું છે અને સમગ્ર ભારત પૂર્વોત્તરનું છે. શાહે જણાવ્યું હતું કે, મોદી સરકારે પૂર્વોત્તર માટે બજેટની સેંકડો જોગવાઈઓમાં વધારો કર્યો છે અને પૂર્વોત્તરને 3થી 4 ગણું વધારે બજેટ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2027 સુધીમાં ઉત્તર-પૂર્વનાં તમામ આઠ રાજ્યોને રેલવે અને હવાઈ જોડાણ મારફતે દિલ્હી સાથે જોડવામાં આવશે.
ગૃહ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ સમગ્ર દેશમાં ઉત્તર-પૂર્વને અષ્ટલક્ષ્મી તરીકે લોકપ્રિય બનાવ્યું છે અને આ ક્ષેત્રના તમામ 8 રાજ્યો દરેક પાસામાં દેશને સમૃદ્ધ બનાવવા માટે સક્ષમ છે. તેમણે કહ્યું હતું કે, પૂર્વોત્તરનાં યુવાનો માટે આર્થિક, સાંસ્કૃતિક, સુરક્ષા, રમતગમત અને સંશોધન અને વિકાસનાં ક્ષેત્રોમાં પુષ્કળ તકો રહેલી છે. તેમણે ઉમેર્યું હતું કે, મોદી સરકારે પ્રવાસનથી લઈને ટેકનોલોજી, રમત-ગમતથી માંડીને અંતરિક્ષ, કૃષિથી માંડીને ઉદ્યોગસાહસિકતા અને બેંકિંગથી લઈને બિઝનેસ સુધીના દરેક ક્ષેત્રમાં પૂર્વોત્તર માટે અનેક માર્ગો ખોલ્યા છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, આપણાં પૂર્વોત્તરમાં 220થી વધારે વંશીય જૂથો અને 160થી વધારે જનજાતિઓ વસે છે, 200થી વધારે બોલીઓ અને ભાષાઓ બોલાય છે. 50થી વધારે વિશિષ્ટ તહેવારોની ઉજવણી થાય છે અને 30થી વધારે પરંપરાગત નૃત્યો અને 100થી વધારે રાંધણકળા આ વિસ્તારમાં અસ્તિત્વ ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, આ બધું સમગ્ર ભારત માટે સમૃદ્ધ વારસાનો ખજાનો છે, જેને પોતાનાં વારસા પર ગર્વ છે. શાહે જણાવ્યું હતું કે, ભારત વિનાનું ભારત પૂર્વોત્તર અને પૂર્વોત્તર વિનાનું ભારત અધૂરું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, પૂર્વોત્તર એકતા મહોત્સવની થીમ 'એક અવાજ, એક રાષ્ટ્ર' છે. તેમણે જણાવ્યું હતું કે, આપણો દેશ અનેક ભાષાઓ, સંસ્કૃતિઓ, વાનગીઓ અને પોશાકોનું અદ્ભુત મિશ્રણ છે અને વિવિધતામાં એકતા આપણા દેશની વિશેષતા અને સૌથી મોટી તાકાત છે. 5 દિવસના એકતા ઉત્સવના માધ્યમથી દિલ્હીમાં પૂર્વોત્તરની એકતાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. શાહે જણાવ્યું હતું કે, આસામ રાઇફલ્સ ભારતનું સૌથી જૂનું અર્ધલશ્કરી દળ છે અને આ દળની ઓળખ 'પૂર્વોત્તરનાં મિત્ર' તરીકે થાય છે. તેમણે કહ્યું હતું કે, અસમ રાઇફલ્સે પૂર્વોત્તરને અસંખ્ય કટોકટીમાંથી ઉગારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ મારફતે આજે આસામ રાઇફલ્સ સમગ્ર દેશ અને દુનિયાને પૂર્વોત્તરની એકતા અને સાંસ્કૃતિક શક્તિનું પ્રદર્શન કરવામાં સફળ રહી છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં 212 ટીમો અને 1500 વિદ્યાર્થીઓએ રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. તેમણે કહ્યું હતું કે, અત્યારે મોટા ભાગનાં ઇનામો મણિપુરને મળ્યાં છે, જે મણિપુરમાં રમતગમતનાં મહત્ત્વને દર્શાવે છે. શાહે જણાવ્યું હતું કે, પૂર્વોત્તરમાં રમતગમતની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મણિપુરમાં દેશની સૌપ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘સ્પોર્ટ્સ ફોર ઓલ, સ્પોર્ટ્સ ફોર એક્સલન્સ’ એ ભારતમાં રમતગમતના વિકાસ માટેની ફોર્મ્યુલા બની ગઈ છે. ગૃહ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વર્ષ 2036માં ભારત ઓલિમ્પિક રમતોની યજમાની કરશે અને દેશ ટોપ 10માં સામેલ થઈ જશે, જેમાં પૂર્વોત્તરનાં રાજ્યો આ સિદ્ધિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લાં 10 વર્ષમાં, ખાસ કરીને છેલ્લાં 5 વર્ષમાં પૂર્વોત્તરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે ઉત્તર-પૂર્વમાં હિંસક ઘટનાઓ અને સુરક્ષા કર્મચારીઓના મૃત્યુમાં 70 ટકા અને નાગરિકોની જાનહાનિમાં 85 ટકાનો ઘટાડો થયો છે. શાહે કહ્યું હતું કે, હિંસાનાં આંકડામાં આ ઘટાડો દર્શાવે છે કે, પૂર્વોત્તરમાં હવે ધીમે ધીમે શાંતિ સ્થપાઇ છે અને વિકાસ અને સાંસ્કૃતિક વિકાસનાં નવા યુગની શરૂઆત થઈ રહી છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2014થી અત્યાર સુધીમાં પૂર્વોત્તરમાં 10,500થી વધારે આતંકવાદીઓએ પોતાનાં શસ્ત્રો હેઠાં મૂકી દીધાં છે અને વર્ષ 2019થી 2024 વચ્ચે વિસ્તારમાં 12 શાંતિ સમજૂતીઓ પર હસ્તાક્ષર થયાં છે. તેમણે કહ્યું કે અહીં દાયકાઓથી ઘણા વિવાદો ચાલી રહ્યા હતા. પરંતુ મોદી સરકારે બે પગલા આગળ વધીને યુવાનોને વિશ્વાસ અપાવ્યો કે તેમના માટે ઘણી તકો ઉપલબ્ધ છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ હિંસામાં સામેલ યુવાનોને હથિયાર મૂકીને મુખ્ય ધારામાં જોડાવા અપીલ કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ કહ્યું કે આજે ભારતનો એવો કોઈ ભાગ નથી, જે પૂર્વોત્તરને પોતાનો ન માને અને જ્યાં આ ક્ષેત્રના લોકો માટે પ્રેમ ન હોય. તેમણે જણાવ્યું હતું કે, દેશનાં દરેક રાજ્યનાં લોકોનાં હૃદયમાં પૂર્વોત્તરનાં લોકો માટે વિશિષ્ટ સ્થાન છે અને પૂર્વોત્તરનાં દરેક રાજ્યોએ પણ આગળ આવવું જોઈએ અને સંપૂર્ણ દેશનાં વિકાસમાં યોગદાન આપવું જોઈએ. શાહે જણાવ્યું હતું કે, ઉત્તર-પૂર્વ હવે શાંતિ અને વિકાસ ઇચ્છે છે તથા ભારતનાં અભિન્ન અંગ તરીકે કામ કરવા ઇચ્છે છે.