પાકિસ્તાનની જેલમાં ખરાબ વર્તન કરવામાં આવ્યાનો ઈમરાન ખાનનો સરકાર ઉપર આક્ષેપ
લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન છેલ્લા એક વર્ષથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. પાકિસ્તાનની પંજાબ સરકારે તાજેતરમાં ઈમરાન ખાનને મળવા પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. દરમિયાન, અદિયાલા જેલમાં બંધ ઈમરાન ખાને કહ્યું કે, "હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે 26માં બંધારણીય સુધારાની તરફેણમાં મતદાન કરનારાઓએ આપણા બંધારણના પાયાને નષ્ટ કરીને પાકિસ્તાન સાથે વિશ્વાસઘાત કર્યો છે."
પાકિસ્તાનના પૂર્વ PMએ આ વાત ઈમરમ ખાનના સત્તાવાર એકાઉન્ટ (અગાઉના ટ્વિટર) પરથી પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં ઈમરાન ખાને કહ્યું હતું કે, "જેલની અંદર મારી સાથે જાનવરો કરતા પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. મારા સેલની વીજળી પાંચ દિવસથી બંધ હતી, જેના કારણે હું સંપૂર્ણ અંધકારમાં જીવી રહ્યો હતો. મને કોઠરીમાં કેદ કરીને રાખવામાં આવ્યો હતો. કેટલાક દિવસો સુધી પરિવારના સભ્યો, ડોકટરો અને વકીલો સાથે મુલાકાત ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો.”
ઇમરામ ખાને કહ્યું, તેઓ મને ત્રાસ આપીને તોડવા માંગે છે, પરંતુ હું પાકિસ્તાની રાષ્ટ્રની વાસ્તવિક સ્વતંત્રતા માટે અડગ રહીશ. નવાઝ શરીફને પાકિસ્તાનના ભવિષ્યની ચિંતા નથી, કારણ કે તેમની પોતાની સંપત્તિ વિદેશમાં છુપાયેલી છે. તેઓ પાકિસ્તાનમાં માત્ર લૂંટ કરવા માટે આવે છે.
ઈમરાન ખાનની પાર્ટીએ 4 ઓક્ટોબર 2024 ના રોજ તેમની મુક્તિ અને ન્યાયતંત્રની સ્વતંત્રતાની માંગ સાથે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું, ત્યારબાદ પાકિસ્તાન સરકારે ઈમરાન ખાનની સભાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગયા મહિને પણ તેમણે કહ્યું હતું કે તેને જેલમાં દયનીય સ્થિતિમાં રાખવામાં આવી રહ્યો છે.