યુરોપમાં મહત્વપૂર્ણ બેઠક: ટ્રમ્પે યુરોપના દેશોને રશિયન ક્રૂડ પર પ્રતિબંધની આપી સલાહ
મોસ્કો-કીવ સંઘર્ષ વચ્ચે યુરોપમાં યોજાયેલી એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન નેતાઓને ચેતવણી આપી કે, જો યુક્રેન યુદ્ધનો અંત લાવવો હોય તો રશિયા પાસેથી ક્રૂડ ખરીદી તાત્કાલિક બંધ કરવી પડશે. તેમણે ચીન પર પણ આર્થિક દબાણ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ વ્લોદોમિર ઝેલેન્સ્કી અને યુરોપના વડાઓ સાથે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં આ સંદેશ આપ્યો હતો. આ બેઠક 'કોએલિશન ઑફ ધ વિલિંગ' દ્વારા યોજાઈ હતી, જે યુક્રેનમાં સુરક્ષા અને શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોમાં સક્રિય જૂથ માનવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે થોડા દિવસ પહેલાં જ ભારત પર 50 ટકા ટેરિફ લાદી દીધો હતો, કારણ કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. હવે તેમણે યુરોપને પણ ક્રૂડ ખરીદી બંધ કરવાની સલાહ આપી છે, જેને લઈને સવાલ ઉઠે છે કે શું તેઓ યુરોપિયન દેશો પર પણ ટેરિફ લાદશે?
આ બેઠક બાદ ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે જો યુદ્ધવિરામ કરાર થાય, તો 26 દેશો શાંતિ સંરક્ષણ દળમાં પોતાના સૈનિકો મોકલવા માટે તૈયાર છે. મેક્રોન મુજબ, યુદ્ધવિરામના બીજા જ દિવસે પશ્ચિમી દેશોના સૈનિકો જમીન, સમુદ્ર અને આકાશ ત્રણેય મોરચા પર યુક્રેનમાં તૈનાત થશે.
મેક્રોને સ્પષ્ટતા કરી કે, યુરોપિયન સુરક્ષા ગેરંટી ત્યારે જ અસરકારક થશે, જ્યારે અમેરિકા 'સેફ્ટી નેટ'ની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે આવતા દિવસોમાં અમેરિકન સહયોગને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે, જેથી યુક્રેનની સુરક્ષા મજબૂત બની શકે.