ઈરાક અને સાઉદી અરેબિયાથી ભારતને ક્રૂડ ઓઈલની આયાત
નવી દિલ્હીઃ નવેમ્બર મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાંથી કાચા તેલની આયાતમાં પરિવર્તન આવ્યું છે. આ મહિને રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત ઘટી છે, જ્યારે ઈરાક અને સાઉદી અરેબિયા જેવા દેશોમાંથી ક્રૂડ ઓઈલની આયાત વધી છે. નવેમ્બર મહિનામાં ભારતે ઈરાક અને સાઉદી અરેબિયા જેવા દેશોમાંથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની ખરીદી કરી હતી.
આ વર્ષે ઓક્ટોબર સુધી ભારતે રશિયા પાસેથી સૌથી વધુ ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે. નવેમ્બર મહિનામાં આ ટ્રેન્ડ બદલાઈ ગયો. નવેમ્બરમાં રશિયાથી ક્રૂડ ઓઈલની આયાતમાં લગભગ 13 ટકાનો ઘટાડો થયો છે. નવેમ્બરમાં રશિયાથી પ્રતિદિન સરેરાશ 13.22 લાખ બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરવામાં આવી હતી. ઓક્ટોબરમાં આ આંકડો 15.20 લાખ બેરલ પ્રતિ દિવસનો હતો.
બીજી તરફ નવેમ્બર મહિનામાં સાઉદી અરેબિયા અને ઈરાક જેવા દેશોમાંથી ક્રૂડ ઓઈલની આયાત વધીને 22.80 લાખ બેરલ પ્રતિ દિવસના સ્તરે પહોંચી ગઈ હતી. ઓક્ટોબરમાં આ આંકડો 20.58 લાખ બેરલ પ્રતિ દિવસનો હતો. આ રીતે નવેમ્બર મહિનામાં મધ્ય પૂર્વથી કાચા તેલની આયાતમાં 10.80 ટકાનો વધારો થયો છે.
નવેમ્બરમાં ભારતે દરરોજ સરેરાશ 47 લાખ બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. ઓક્ટોબરની સરખામણીએ 2.5 ટકા વધુ હતી. આ મહિને મધ્ય પૂર્વમાંથી તેલની આયાતમાં વધારાને કારણે, કુલ ક્રૂડના વપરાશમાં OPEC સભ્ય દેશોનો હિસ્સો વધીને 53 ટકા થઈ ગયો છે. જે છેલ્લા 8 મહિનામાં સૌથી વધુ છે. તે જ સમયે, રશિયા, અઝરબૈજાન અને કઝાકિસ્તાન જેવા સ્વતંત્ર દેશોનો હિસ્સો ઓક્ટોબર મહિનામાં 40 ટકાથી ઘટીને 35 ટકા થઈ ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં ઓઈલ રિફાઇનરીમાં ચાલી રહેલા વાર્ષિક જાળવણી કાર્યક્રમને કારણે રશિયાથી તેલની આયાતમાં ઘટાડો થયો છે.