ઓપરેશન સિંદૂરમાં કુખ્યાત આતંકવાદી મસૂદ અઝહરનો પરિવાર વેરવિખેર થયાની ઇલિયાસ કશ્મીરીની કબુલાત
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ 7 મેએ ઓપરેશન સિંદૂર અંતર્ગત બહાવલપુર સ્થિત જૈશ સરગના મસૂદ અઝહરના મદરસે પર કરેલા એરસ્ટ્રાઇકમાં મસૂદનો પરિવાર વેરવિખેર થઈ ગયો હતો. પાંચ મહિના બાદ મસૂદનો નજીકનો સાથી અને જૈશના પ્રચાર વિંગનો પ્રમુખ ઇલિયાસ કશ્મીરીએ આ ખુલાસો કર્યો છે. ઇલિયાસે પાકિસ્તાનમાં યોજાયેલી એક સભા દરમિયાન કહ્યું કે, “તે રાતે મસૂદના પરિવારજનો મદરસામાં સૂતા હતા, સ્ટ્રાઇકમાં બધું વેરવિખેર થઈ ગયું. આપણે આ બલિદાન કેમ આપ્યું તે સમજવાની જરૂર છે.”
માહિતી અનુસાર, બહાવલપુર સ્થિત મદરસામાં મસૂદના પરિવારના 14 સભ્યો હાજર હતા, જેમના મોત થયા. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ હુમલામાં મસૂદની મોટી બહેન અને જીજાનો પણ અંત આવ્યો હતો. સ્ટ્રાઇક બાદ મસૂદે એક પત્ર જાહેર કરી લખ્યું હતું કે “હવે હું પણ જીવવા માંગતો નથી.” ત્યારથી જ મસૂદ અંડરગ્રાઉન્ડ છે અને તેનો કોઈ પતો મળ્યો નથી.
એપ્રિલના અંતમાં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકીઓએ 26 નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી. ત્યાર બાદ ભારતીય સુરક્ષા દળોએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ અભિયાન હેઠળ પાકિસ્તાનમાં ચલાવાતા 9 મોટા આતંકી ઠેકાણાઓને તોડી પાડવામાં આવ્યા, જેમાં લશ્કર અને જૈશ બંનેના મહત્વના કેમ્પ સામેલ હતા. આ ઓપરેશનમાં અંદાજે 100 આતંકીઓના મોત થયા હતા.
ભારત સરકારના જણાવ્યા મુજબ ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે અને આતંકી માળખાને સંપૂર્ણપણે નષ્ટ કરવાનો પ્રયત્ન જારી છે. આ વચ્ચે પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે દાવો કર્યો હતો કે “અમારી ધરતી પર કોઈ આતંકવાદી નથી,” જ્યારે પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે મસૂદ જેવા આતંકી અફઘાનિસ્તાનમાં છુપાયેલા હોઈ શકે છે. અફઘાનિસ્તાન તરફથી હજી સુધી કોઈ પ્રતિસાદ આપવામાં આવ્યો નથી.