ચોટિલાના મોલડી ગામે સરકારી જમીનમાં ગેરકાયદે ખનન પકડાયું
- નાયબ કલેક્ટરની ટીમે પાડ્યો દરોડો,
- 2 JCB, 4 ટ્રેક્ટર સહિત રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો,
- જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યની સંડોવણી ખૂલી
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં સાયલા, ચાટિલા, થાન અને મુળી વિસ્તારમાં ખનીજચોરીના સૌથી વધુ બનાવો બને છે. ત્યારે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે ચોટીલાના મોટી મોલડી ગામમાં સરકારી સર્વે નંબર 282વાળી જમીન પર આકસ્મિક દરોડા પાડી કાર્યવાહી કરી હતી. આ દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે ખનિજનું ખોદકામ કરતા 2 જેસીબી અને ટ્રોલી સાથેના 4 ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹1,00,10,000 (એક કરોડ દસ હજાર રૂપિયા) આંકવામાં આવી છે, જેને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની વિગત એવી છે. કે, ચોટિલા તાલુકાના મોટી મોલડી ગામે સરકારી જમીન પર ગેરકાયદે ખનન થઈ રહ્યાની બાતમી મળતા નાયબ કલેક્ટર મકવાણાએ ટીમ સાથે રેડ પાડી હતી. અને ખનિજનું ખોદકામ કરતા 2 જેસીબી અને ટ્રોલી સાથેના 4 ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹1,00,10,000 (એક કરોડ દસ હજાર રૂપિયા) આંકવામાં આવી છે, તપાસ કરતા એવુ જાણવા મળ્યુ છે કે, ગેરકાયદે ખનિજ ખોદકામની પ્રવૃત્તિમાં મોહન ટી. ડાભી (પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય, હાલ રહે. અમદાવાદ) અને તેમના પુત્ર સંજય મોહનભાઈ ડાભી (હાલ રહે. અમદાવાદ) સંડોવાયેલા હોવાનું કહેવાય છે. તેમની સામે "The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage Rules, 2017" ના નિયમ 21(3) મુજબ વસૂલાત કરવા અંગેની નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જ્યારે જપ્ત કરાયેલા ટ્રેક્ટરના માલિકોમાં ગોપાલ ડાભી (મોટી મોલડી), અમરશી કુમારખાણીયા (સૂર્ય રામપરા), નાથા મકવાણા (રાજપરા) અને સોમા ડાભી (મોટી મોલડી)નો સમાવેશ થાય છે. જેસીબીના માલિકો ગોપાલ ડાભી (મોટી મોલડી) અને વિકાસ કુમારખાણીયા (સૂર્ય રામપરા) છે. આ તમામ માલિકો સામે પણ ઉપરોક્ત નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.