સાયલા તાલુકાના જુના જશાપર ગામે વન વિભાગની જમીનમાં ગેરકાયદે ખનન પકડાયું
- 3 હિટાચી મશિન કબજે લઇ વન વિભાગે તપાસ ખાણ ખનીજ વિભાગને સોંપી,
- વન વિભાગની જમીનમાં વ્યાપક પ્રમાણમાં કવોરી વેસ્ટનું ખોદકામ ચાલી રહ્યું હતું,
- જિલ્લાના ખનીજ વિભાગે વધુ તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકાના જુના જસાપરમાં વન વિભાગની જમીનમાં ગેરકાયદે ખનન પકડાયુ છે. જૂના જશાપરા ગામ નજીક વન વિભાગની જમીનમાં ગેરકાયદે ખનન થઈ રહ્યું હોવાની માહિતી મળતા વન વિભાગે રેડ પાડી હતી. વન વિભાગની ટીમે ત્રણ હિટાચી મશીન કબજે લઇ તપાસ ખાણ ખનીજ વિભાગને સોંપી કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, સાયલા તાલુકાના જુના જસાપર ગામ નજીક વન વિભાગની જમીનમાં વ્યાપક પ્રમાણમાં કવોરી વેસ્ટનું ખોદકામ ચાલી રહ્યું હતું. જેની માહિતી મુળી રેન્જ નોર્મલ વિભાગને મળી હતી. જેના અનુસંધાને ફોરેસ્ટ વિભાગ દ્વારા જસાપર ગામે આવેલી નોર્મલ અનામત જંગલમાં તપાસ કરતા ત્રણ જેટલા મશીનો દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું. ફોરેસ્ટના નોર્મલ વિભાગ દ્વારા ભાભલુભાઈ કલોત્રા (રહે.થોરીયાળી), ગભરૂભાઈ માલાભાઈ ખાંભલા (રહે.રાતડકી), આલાભાઇ વેરશીભાઈ ખાંભલા (રહે.રાતડકી)ના હિટાચી મશીનને ઝડપી જપ્ત કરાયા હતા. મુળી રેન્જ ઓફિસ ઉપર ત્રણેય મશીન લઈ જઈ સીઝ કરવામાં આવ્યા છે.
વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ જૂના જશાપરા ગામ નજીક નોર્મલ અનામત જંગલમાં મોટા પ્રમાણમાં ખોદકામ થયેલું હોય આ વિસ્તારમાંથી કેટલું ખોદકામ કરવામાં આવ્યું છે તે માટે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને તપાસ સોંપવામાં આવી છે. જપ્ત કરાયેલા મશીનોમાંથી આ જમીન ઉપરથી કેટલું ખોદકામ કરવામાં આવ્યું છે તેની તપાસ કરી આ ખોદકામની કાર્યવાહી કોના દ્વારા અને કેટલા સમયથી કરવામાં આવતી હતી તેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે