નીતિશકુમાર મુદ્દે લાલુપ્રસાદ યાદવના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
નવી દિલ્હીઃ બિહારના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ગરમાવો જોવામાં મળી રહ્યો છે. દરમિયાન ઈન્ડિ ગઠબંધનના સભ્ય અને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે ફરી એકવાર બિહારના મુખ્યમંત્રીને મિત્રતાની ઓફર કરી હોવાનું જાણવા મળે છે. મહાગઠબંધન માટે નિતિશ કુમાર માટે દરવાજા ખુલ્લા હોવાના લાલુ યાદવના નિવેદનના પગલે બિહારના રાજકારણમાં ફરીથી ગરમાવો આવ્યો છે. તેમજ વિવિધ પ્રકારની અટકળો વહેતી થઈ છે. હાલ નીતિશ કુમાર એનડીએના સભ્ય છે.
મુખ્યમંત્રી નીતિશ કુમાર રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનમાં રહેશે કે મહાગઠબંધનમાં જોડાશે? તેવા સવાલો ઉભા થઈ રહ્યાં છે. આ મામલે લઈને રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે સીએમ નીતિશ કુમાર માટે દરવાજા ખુલ્લા છે. તેઓ સાથે આવે દો અને કામ કરે. જો તેમણે મહાગઠબંધન સાથે આવવું હોય તો આવવું જોઈએ. આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. તેનાથી એનડીએ કેમ્પની બેચેની પણ વધી છે.
1 જાન્યુઆરીએ આરજેડી સુપ્રીમોની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીનો જન્મદિવસ હતો. ગવર્નર આરિફ મોહમ્મદ ખાને તેમના જન્મદિવસ પર આયોજિત ઉજવણીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પત્રકારોએ લાલુ પ્રસાદને સીએમ નીતિશ કુમાર વિશે પૂછ્યું તો તેમણે સ્પષ્ટ કહ્યું કે જનતા અને સીએમ નીતિશ કુમાર માટે દરવાજા હંમેશા ખુલ્લા છે.
તાજેતરમાં જ તેજસ્વી યાદવે કહ્યું હતું કે સીએમ નીતિશ કુમાર હવે થાકી ગયા છે. તેમના માટે મહાગઠબંધનના દરવાજા બંધ છે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે સીએમ નીતિશ કુમાર અંગે જે પણ નિર્ણય લેવામાં આવશે, તે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. તેમના નિર્ણયને આપણે બધા સાર્વત્રિક રીતે સ્વીકારશે. આ પછી લાલુ પ્રસાદના આ નિવેદને બધાને ચોંકાવી દીધા છે.