ઉમેદવાદ ફોર્મમાં ગુનાહિત દોષસિદ્ધ છુપાવે તો ચૂંટાયા બાદ પણ અયોગ્ય ઠરી શકશે, સુપ્રીમ કોર્ટનો આદેશ
નવી દિલ્હીઃ બિહાર ચૂંટણીના માહોલ વચ્ચે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. અદાલતે જણાવ્યું છે કે જો કોઈ ઉમેદવાર પોતાના ફોર્મમાં ગુનાહિત દોષસિદ્ધિની માહિતી છુપાવે છે, તો તેને અયોગ્ય ઠરાવાશે.. આ ચુકાદો ન્યાયમૂર્તિ પી.એસ. નરસિંહા અને એ.એસ. ચંદુરકરની બેન્ચે મધ્યપ્રદેશની પૂર્વ કાઉન્સીલર પૂનમ દ્વારા દાખલ અપીલ પર આપ્યો.
પૂનમને ભીખનગાંવ નગર પરિષદમાંથી હટાવવામાં આવી હતી, કારણ કે તેમણે ફોર્મમાં ચેક બાઉન્સના કેસમાં પોતાની દોષસિદ્ધિની માહિતી જાહેર કરી નહોતી. આ કેસમાં તેમને એક વર્ષની કેદ અને દંડની સજા ફટકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઉમેદવારે પોતાની દોષસિદ્ધિ છુપાવી હોય તો તે મતદારોના સ્વતંત્ર નિર્ણય લેવાના અધિકારને અસર કરે છે. મતદારોને યોગ્ય માહિતી વિના પસંદગી કરવાનો અવસર મળે છે, જે લોકતંત્રના મૂળ સિદ્ધાંતોના વિરુદ્ધ છે.
અદાલતે જણાવ્યું કે ચેક બાઉન્સ કાયદા (Negotiable Instruments Act, 1881)ની કલમ 138 હેઠળ થયેલી દોષસિદ્ધિનો ખુલાસો ન કરવો મહત્વપૂર્ણ માહિતી છુપાવવાની બાબત છે. પૂનમએ મધ્યપ્રદેશ નગરપાલિકા ચૂંટણી નિયમ, 1994ના નિયમ 24-એ(1)નું પાલન ન કર્યું હોવાથી તેમનું નામનાપત્ર સ્વીકારવું યોગ્ય ન હતું. આ ચુકાદા બાદ ચૂંટણી લડનારા ઉમેદવારો માટે સ્પષ્ટ સંદેશો મળ્યો છે કે ફોર્મમાં તમામ ગુનાહિત કેસોની સચોટ માહિતી આપવી ફરજિયાત છે, નહિ તો જીત્યા બાદ પણ પદ ગુમાવવાનો ખતરો રહેશે.