ધો. 10ની પરીક્ષામાં શાળાના 100 ટકા વિદ્યાર્થીઓ સંસ્કૃત રાખશે તો એક લાખની ગ્રાન્ટ અપાશે
- ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા કરાયો નિર્ણય,
- સંસ્કૃતના વિકાસ માટે કાર્ય કરનારા આચાર્ય અને સંસ્કૃતના શિક્ષકને સન્માનિત કરાશે,
- વિદ્યાલયોમાં પ્રાચીન ભાષાનું અસ્તિત્વ ટકાવવા માટે લેવાયો નિર્ણય
ગાંધીનગરઃ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ વધુને વધુ સંસ્કૃત ભાષામાં રસ દાખવે તે માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સંસ્કૃત ભાષાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નવી અને મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ સંસ્કૃત પ્રોત્સાહન યોજના હેઠળ માધ્યમિક સ્તર (ધોરણ-10) માં તમામ વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય સાથે અભ્યાસ કરે એવી સ્કૂલને રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ માધ્યમિક સ્કૂલમાં ધોરણ 10માં નોંધાયેલી સંખ્યા 100થી ઉપર હોય અને 100% વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય પસંદ કરે, તો તે શાળા અનુદાન માટે પાત્ર ગણાશે. સ્કૂલના આચાર્ય અને સંસ્કૃત વિષય ભણાવનારા શિક્ષકનું પણ વિશેષ સન્માન કરવામાં આવશે. આ યોજના ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત તમામ માધ્યમિક શાળાઓ (સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર) પર લાગુ પડે છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કોલેજ લેવલે પણ સંસ્કૃતને પ્રાધાન્ય અપાશે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડનો ઉદેશ્ય એ છે કે, પ્રાચીન ભાષાનું વિદ્યાલયોમાં અસ્તિત્વ ટકાવી શકાય, વિદ્યાર્થીઓને માધ્યમિક કક્ષાએ સંસ્કૃત વિષય પસંદગી માટે પ્રોત્સાહન મળે, તેમજ સંસ્કૃત પ્રચાર-પ્રસાર માટે શાળાને પ્રોત્સાહન મળે, સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે આર્થિક સહાય મળે.અને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ વિદ્યાર્થીઓ સંસ્કૃતને પ્રાધાન્ય આપે તે છે.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા અનુદાન માટે વિવિધ કેટેગરી નક્કી કરવામાં આવી છે જેમાં 200થી 299 વિદ્યાર્થીઓમાંથી જો 100% વિદ્યાર્થીઓએ સંસ્કૃત વિષય પસંદ કર્યો હોય તો રૂ.50,000નું અનુદાન મળશે. જ્યારે 300થી 399 વિદ્યાર્થીઓમાંથી જો 100% વિદ્યાર્થીઓએ સંસ્કૃત વિષય પસંદ કર્યો હોય તો રૂ.75,000નું અનુદાન મળશે. આ ઉપરાંત 400 કે તેથી વધુ વિદ્યાર્થીઓમાંથી જો 100% વિદ્યાર્થીઓએ સંસ્કૃત વિષય પસંદ કર્યો હોય તો તેવી શાળાઓને રૂ.1,00,000નું અનુદાન અપાશે.