અમદાવાદમાં શાહીબાગ અને નરોડાથી એસપી રિંગ રોડ સુધી આઈકોનિક રોડ બનાવાશે
- કાંકરિયા પિકનીક હાઉસ પાસે ફુડ પાર્ક બનાવાશે
- આઈકોનિક રોડ બનાવવા 64 કરોડોનો ખર્ચ કરાશે
- એએમસી દ્વારા લેવાયો નિર્ણય
અમદાવાદઃ શહેરના શાહીબાગ અને નરોડા ઓવરબ્રિજથી એસપી રિંગ રોડ સુધી કરોડોના ખર્ચે આઈકોનિક રોડ બનાવવાનો મ્યુનિ.કોર્પોરેશને નિર્ણય લીધો છે. આ ઉપરાંત શહેરના કાંકરીયા પિકનિક હાઉસ પાસે નાગરિકો માટે ફૂડપાર્ક બનાવવામાં આવશે. ત્રણ પ્રકારની ફૂડ સ્ટોલ વેપારીઓને ફાળવવામાં આવશે. ટોયલેટ બ્લોક અને પાર્કિંગ સહિતની સુવિધાઓ સાથે ફૂડપાર્ક બનાવાશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે જેમાં શહેરના શાહીબાગ અને નરોડા ઓવરબ્રિજથી એસપી રિંગ રોડ સુધી આઇકોનિક રોડ કુલ 64 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આઇકોનિક રોડમાં મોડર્ન રોડ ડિઝાઇન, પેડિસ્ટ્રિયન, પાર્કિંગ, પબ્લિક સિટિંગ પાસે બેન્ચ અને સ્ટ્રીટ ફર્નિચર સાથે, ગ્રીનરી અને ફૂલો સાથેનું લેન્ડસ્કેપિંગ વગેરે બનાવવામાં આવશે. શાહીબાગ અને નરોડા વિસ્તારમાં બનનારા આઇકોનિક રોડ બનાવવા માટે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. રીંગ રોડ પરથી શહેરમાં આવનારા લોકોને પ્રવેશ દ્વાર તરીકે આઇકોનિક રોડ મળશે.
એએમસીના રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં આઇકોનિક રોડ બનાવવામાં આવશે. જે અંતર્ગત શહેરના શાહીબાગ વિસ્તારમાં ગિરધરનગર બ્રિજથી ઘેવર સર્કલ થઈને ડફનાળા સર્કલ સુધીનો રોડ જ્યારે પૂર્વ વિસ્તારમાં એસ.પી. રીંગ રોડથી હિંમતનગર અને ઉત્તર ગુજરાતથી આવનારા લોકોના પ્રવેશ દ્વાર એવા એસ.પી. રીંગ રોડથી નરોડા રેલવે ઓવરબ્રિજ સુધીના બ્રિજને આઇકોનિક રોડ તરીકે ડેવલોપ કરવામાં આવશે. બંને રોડની લંબાઈ બે-બે કિલોમીટર જેટલી છે. પાર્કિંગ, સેન્ટ્રલ વર્જ, અત્યારે આધુનિક બસ સ્ટેન્ડ વગેરે જેવી સુવિધાઓ તેમાં રાખવામાં આવશે.
આ ઉપરાંત શહેરમાં ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સુધીનો રોડ અને રાજપથ રંગોલી રોડનો આઇકોનિક રોડ તરીકે ડેવલોપમેન્ટ કરવામાં આવ્યો છે, અન્ય બે રોડ પણ બનાવવામાં આવશે.શાહીબાગનો રોડ સિવિલ હોસ્પિટલ, યુ.એન મહેતા અને રાજસ્થાન હોસ્પિટલ તેમજ એરપોર્ટ તરફ જોડાયેલો છે અને નરોડાનો રોડ રિંગ રોડથી શહેરમાં પ્રવેશ થતો હોય છે, જેથી આઈકોનિક રોડ બનાવાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના કાંકરિયા પિકનિક હાઉસ પાસે ફૂડપાર્ક બનાવવાનો નિર્ણય લીધો છે. કાંકરિયામાં રોજના અનેક લોકો ફરવા માટે આવતા હોય છે અને રાત્રે આજુબાજુ ખાણીપીણીની લારીઓ પણ ઉભી રહેતી હોય છે ત્યારે લોકોને વ્યવસ્થિત ફૂડ બજાર મળી રહે તેના માટે ફૂડપાર્ક બનાવવા અંગેનો નિર્ણય રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં લેવામાં આવ્યો છે. પિકનિક હાઉસની બાજુમાં આવેલા પ્લોટમાં 7 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવશે. 130 ટુ વ્હીલર અને 14 ફોર વ્હીલરના પાર્કિંગ ફૂડ બજારના કચરાના નિકાલની વ્યવસ્થા સાથે બનશે.