ICC મહિલા વિશ્વ કપઃ ભારતનો ઈંગ્લેન્ડ સામે ચાર રનથી પરાજય
નવી દિલ્હીઃ ICC મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ કપમાં, ભારતનો ઈંગ્લેન્ડ સામે ચાર રનથી પરાજય થયો છે. ગઈકાલે ઈન્દોરમાં રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડના 289 રનના લક્ષ્યાંકના જવાબમાં, ભારતીય ટીમ 50 ઓવરમાં છ વિકેટે 284 રન જ બનાવી શકી હતી. સ્મૃતિ મંધાનાએ 88, હરમનપ્રીત કૌરે 70 અને દીપ્તિ શર્માએ 50 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની હીથર નાઈટને 109 રનની ઇનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ ચાર અને ચરણીએ બે વિકેટ લીધી હતી.આ જીત સાથે, ઈંગ્લેન્ડનું સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત થઈ ગયું છે. સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે ભારતને હવે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામેની બાકીની બંને મેચ જીતવી પડશે.
સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે ભારતીય ઇનિંગ્સને સ્થિર કરી હતી જ્યારે ટીમે ફક્ત 42 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. તેઓએ 125 રનની ભાગીદારી કરી હતી. હરમનપ્રીત કૌરે 70 રન બનાવ્યા હતા અને તેના આઉટ થયા પછી મંધાના અને દીપ્તિ શર્માએ 67 રન ઉમેર્યા હતા. ટીમ ઇન્ડિયાનો વિજય નજીક લાગતો હતો પરંતુ દીપ્તિ શર્મા 47મી ઓવરમાં 50 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. અમનજોત કૌર સારી બેટિંગ કરી શકે છે પરંતુ દબાણ હેઠળ તેનું બેટ નિષ્ફળ ગયું હતું. ભારત પાસે હવે ફક્ત બે મેચ બાકી છે, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે સેમિફાઇનલમાં પહોંચવા માટે તેણે બંને મેચ જીતવી પડશે.
ટોસ જીતીને અને પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 8 વિકેટે 288 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમે સારી શરૂઆત કરી હતી. ટેમી બ્યૂમોન્ટ અને એમી જોન્સે પ્રથમ વિકેટ માટે 73 રન ઉમેર્યા હતા. જોન્સે 8 ચોગ્ગાની મદદથી 56 રન બનાવ્યા જ્યારે બ્યૂમોન્ટે 22 રન બનાવ્યા હતા. તેમના આઉટ થયા પછી હીથર નાઈટ અને કેપ્ટન નેટ સાયવર-બ્રન્ટે ત્રીજી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી.