ચેમ્પિયન્સ ટ્રોફી બાદ આઈસીસીએ ખેલાડીઓનું રેન્કિંગ જાહેર કર્યું
નવી દિલ્હીઃ આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની પૂર્ણાહુતી બાદ આઈસીસીએ ખેલાડીઓની નવી રેન્કિંગ જાહેર કરી છે. જેમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં 76 રનની મેચ વિજેતા ઇનિંગ રમનાર ભારતીય કેપ્ટન રોહિત શર્માને રેન્કિંગમાં ફાયદો થયો છે. તે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ ઉપરાંત શુભમન ગિલે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જોકે, વિરાટ કોહલીને રેન્કિંગમાં નુકસાન થયું છે. સ્પિન બોલર કુલદીપ યાદવે પણ છલાંગ લગાવી છે અને રવિન્દ્ર જાડેજા પણ ટોચના 10 બોલરોમાં સામેલ થઈ ગયો છે.
શુભમન ગિલે 784 રેટિંગ પોઈન્ટ સાથે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમ 770 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. રોહિત શર્મા બે સ્થાન ઉપર આવીને પાંચમા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેને ફાઇનલમાં 76 રનની ઇનિંગ રમવાનો ફાયદો મળ્યો છે. આ ઇનિંગ માટે, તેને ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં વિરાટ કોહલી 2 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો હતો. કોહલીએ ICC રેન્કિંગમાં એક સ્થાન ગુમાવ્યું છે, તે ચોથા સ્થાનથી પાંચમા સ્થાને સરકી ગયો છે. તેના 736 રેટિંગ પોઈન્ટ છે. ભારતીય સ્પિનર કુલદીપ યાદવને પણ ICC રેન્કિંગમાં ફાયદો થયો છે. તે 650 રેટિંગ પોઈન્ટ સાથે ત્રણ સ્થાન ઉપર ચઢીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. અગાઉ તે છઠ્ઠા સ્થાને હતો. રવિન્દ્ર જાડેજા 3 સ્થાન ઉપર આવીને ટોચના 10 બોલરોમાં સામેલ થયા છે. પહેલા તે 13મા નંબરે હતો, હવે તે 616 રેટિંગ પોઈન્ટ સાથે 10મા સ્થાને આવી ગયો છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્પિનર વરુણ ચક્રવર્તીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, તેને ICC રેન્કિંગમાં પણ સતત આનો ફાયદો મળ્યો છે. અગાઉ તે 140 થી વધુ સ્થાન ઉપર આવ્યો હતો, હવે નવીનતમ રેન્કિંગમાં તેને 16 સ્થાનનો ફાયદો થયો છે. તે 80 નંબર પર આવી ગયો છે.