એશિયા કપમાં હેન્ડશેક મામલે ICC એ મેચ રેફરી સામે કાર્યવાહી કરવાની PCBની માંગણી ફગાવી
ભારત સામે એશિયા કપ 2025માં પરાજયનો સામનો કરનાર પાકિસ્તાનને હવે મેદાનની બહાર પણ મોટો ઝટકો લાગ્યો છે. ભારત-પાકિસ્તાન મેચમાં થયેલા હેન્ડશેક વિવાદ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આઈસીસી પાસે મેચ રેફરી એન્ડી પાયકરોફ્ટને હટાવવાની માંગણી કરી હતી. પાકિસ્તાનનો આક્ષેપ હતો કે પાયકરોફ્ટે જ બંને ટીમના ખેલાડીઓને હાથ ન મિલાવવા કહ્યું હતું. જોકે, આઈસીસીએ PCBની આ ફરિયાદને તરત જ ફગાવી દીધી છે અને પાયકરોફ્ટને ક્લીન ચિટ આપી છે.
14 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન મેચના ટોસથી જ વિવાદની શરૂઆત થઈ હતી. ટોસ સમયે ટીમ ઈન્ડિયાના સુર્યકુમાર યાદવે પાકિસ્તાની કૅપ્ટન સલમાન આગા સાથે હાથ મીલાવવાનું ટાળ્યું હતું. જ્યારે પાકિસ્તાની કૅપ્ટન સલમાન આગા પોસ્ટ-મેચ પ્રેઝેન્ટેશનમાં પણ હાજર રહ્યા ન હતા, જેના કારણે મામલો વધુ ઉગ્ર બન્યો હતો. આ મેચમાં પાકિસ્તાનને 7 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની નિરાશાજનક રમત કરતાં વધુ ચર્ચા મિડિયામાં ભારતીય ખેલાડીઓએ હાથ ન મળાવવાનો મુદ્દો જ છવાયો. બાદમાં PCB પ્રમુખ તથા એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચીફ મોહસિન નકવીએ પણ આ મુદ્દે ટ્વીટ કરીને રોષ વ્યક્ત કર્યો હતો. તેમ છતાં રિપોર્ટ્સ અનુસાર પાયકરોફ્ટનો આ મામલે કોઈ સંબંધ નહોતો અને ટીમ ઈન્ડિયાએ પણ રેફરી વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોને ખોટા ગણાવ્યા. પરિણામે આઈસીસીએ PCBની માંગણીને નકારી કાઢી છે. હવે પાકિસ્તાન ટીમ પોતાનો આગામી મુકાબલો 17 સપ્ટેમ્બરે યુએઈ સામે રમશે, જેમાં મેચ રેફરી તરીકે એન્ડી પાયકરોફ્ટ જ ફરજ બજાવશે.