શ્રીલંકા સામેની મેચમાં આ ભૂલ બદલ ICCએ ભારતીય ટીમ પર દંડ ફટકાર્યો
શ્રીલંકા સામેની ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ધીમા ઓવર રેટ બદલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ ભારતીય ટીમને દંડ ફટકાર્યો છે. આ મેચ કોલંબોમાં રમાઈ હતી જેમાં હરમનપ્રીત કૌરની ટીમે નવ વિકેટથી જીત મેળવી હતી. ICC એ ભારતીય ટીમ પર મેચ ફીના પાંચ ટકા દંડ ફટકાર્યો હતો. આ માહિતી આપતાં, વૈશ્વિક ક્રિકેટ સંસ્થાએ કહ્યું હતું કે, ખેલાડીઓ અને ટીમ સપોર્ટ સ્ટાફ માટે ICC આચારસંહિતાની કલમ 2.22 (લઘુત્તમ ઓવર રેટ સંબંધિત) હેઠળ, ખેલાડીઓને નિર્ધારિત સમયમાં દરેક ઓવર નાખવામાં નિષ્ફળ રહેવા બદલ તેમની મેચ ફીના પાંચ ટકા દંડ ફટકારવામાં આવે છે.
ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ગુનો અને પ્રસ્તાવિત સજા સ્વીકારી લીધી, તેથી ઔપચારિક સુનાવણીની કોઈ જરૂર નહોતી. મેદાન પરના અમ્પાયર અન્ના હેરિસ અને નિમાલી પરેરા, ત્રીજા અમ્પાયર લિંડન હેનીબલ અને ચોથા અમ્પાયર ડેડુનુ ડી સિલ્વાએ આરોપ મૂક્યા હતો. ભારતીય ટીમે ત્રિકોણીય શ્રેણીની પહેલી બે મેચ જીતી લીધી છે. કોલંબોમાં વરસાદને કારણે પહેલી મેચ 39 ઓવરની કરવામાં આવી હતી. ટોસ હારીને બેટિંગ કરવા ઉતર્યા બાદ, શ્રીલંકાની મહિલા ટીમે 38.1 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતે 29.4 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા અને 56 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. ઓફ સ્પિનર રાણા અને ડાબોડી સ્પિનર ચારાણીએ આઠ ઓવરનો પોતાનો ક્વોટા પૂર્ણ કર્યો અને અનુક્રમે 31 રન આપીને ત્રણ અને 26 રન આપીને બે વિકેટ લીધી. અનુભવી ઓફ સ્પિનર દીપ્તિ શર્માએ પણ 5.1 ઓવરમાં 22 રન આપીને બે વિકેટ લીધી હતી.