ચેમ્પીયન ટ્રોફીની તૈયારીઓ માટે ICCનું પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની મુલાકાત લેશે
નવી દિલ્હીઃ વર્ષ 2025માં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ટીમ આગામી સપ્તાહમાં પાકિસ્તાનની મુલાકાતે જવાની છે.એક અહેવાલ મુજબ તૈયારીઓ અને અન્ય મહત્વપૂર્ણ પાસાઓનું નિરીક્ષણ કરવા માટે ICC ટીમ આગામી થોડા દિવસોમાં અગામી 10 દિવસમાં પાકિસ્તાન પહોંચે તેવી શક્યતા છે.પ્રવાસ પછી, ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ટૂર્નામેન્ટના સમયપત્રક અને ટિકિટ વેચાણની જાહેરાત કરી શકે છે.
આ વર્ષની શરૂઆતમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ત્રણ સ્ટેડિયમ - લાહોરમાં ગદ્દાફી સ્ટેડિયમ, કરાચીમાં નેશનલ સ્ટેડિયમ અને રાવલપિંડી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ - જ્યાં ટુર્નામેન્ટ રમાશે તેને અપગ્રેડ કરવા માટે 12.80 અબજ રૂપિયાનું બજેટ નક્કી કર્યું હતું.જોકે, ટુર્નામેન્ટમાં ભારત ભાગ લેશે કે કેમ તે હજુ નક્કી નથી, કારણ કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) આ અંગે કેન્દ્ર સરકારના નિર્દેશોની રાહ જોઈ રહ્યું છે.દરમિયાન, પીસીબીના અધ્યક્ષ મોહસીન નકવીએ કહ્યું છે કે તેઓ બીસીસીઆઈના સંપર્કમાં છે અને ભારતની ભાગીદારી અંગે વાતચીત ચાલી રહી છે.
પાકિસ્તાનની એક સમાચાર સંસ્થાએ પાકિસ્તા ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ચેરમેન મોહસીન નકવીને ટાંકીને કહ્યું, ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે, અને અમે ટુર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ ટીમોના બોર્ડના સંપર્કમાં છીએ. અમે જય શાહના સંપર્કમાં છીએ અને તેમને ICC અધ્યક્ષ બનવામાં કોઈ સમસ્યા નથી. 8 અને 9 સપ્ટેમ્બરના રોજ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠક યોજાશે, જેમાં સલમાન નાસિર હાજરી આપશે. નવા પ્રમુખને લગતી બાબતો આ બેઠકમાં નક્કી કરવામાં આવશે.ગયા મહિને, BCCI સચિવ જય શાહ ICCના નવા અધ્યક્ષ બન્યા, જેના કારણે તેમણે ACC અને BCCIમાં તેમના પદ પરથી રાજીનામું આપવું પડશે.
નોંધનીય છે કે, ગયા વર્ષે ભારતે એશિયા કપ માટે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી અને તેની મેચો શ્રીલંકાના કોલંબોમાં રમાઈ હતી, જ્યારે બાકીની ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાઈ હતી.