ICCનો નિર્ણયઃ મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકેટર સમાન ઈનામની રકમ મળશે
નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મહિલા ક્રિકેટને લઈને મોટો નિર્ણય લીધો છે. હકીકતમાં, ICC મહિલા ક્રિકેટને પુરૂષ ક્રિકેટની બરાબરી પર લાવવામાં આવી છે. ICCના નવા નિર્ણય બાદ મહિલાઓને ICC ઈવેન્ટ્સમાં પુરૂષો જેટલી જ રકમ મળશે. આ રીતે ICCએ પુરૂષ અને મહિલા ક્રિકેટ માટે ઈનામની રકમ સમાન કરી દીધી છે. તેની શરૂઆત મહિલા ટી20 વર્લ્ડ કપ 2024થી થશે. મહિલા T20 વર્લ્ડ કપ 2024 એ પહેલી ટૂર્નામેન્ટ હશે જેમાં મહિલાઓને પુરૂષ ટીમો જેટલી ઈનામી રકમ મળશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ICCનો આ નિર્ણય ક્રિકેટ માટે માઈલસ્ટોન સાબિત થશે. વાસ્તવમાં આ નિર્ણય જુલાઈ 2023માં ICCના વાર્ષિક સંમેલનમાં લેવામાં આવ્યો હતો. તે સમયે ICCએ લક્ષ્ય રાખ્યું હતું કે આગામી કેટલાક વર્ષોમાં મહિલા અને પુરૂષ ક્રિકેટરોને સમાન ઈનામી રકમ મળશે. જોકે, હવે ICCએ પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે. ICCની જાહેરાત બાદ UAEમાં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપમાં વિજેતા ટીમને 2.34 મિલિયન યુએસ ડોલર મળશે. જો આ રકમને ભારતીય રૂપિયામાં જોઈએ તો તે લગભગ 20 કરોડ રૂપિયા છે.
ગયા વર્ષની શરૂઆતમાં મહિલા ટી20 વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકામાં રમાયો હતો. ઓસ્ટ્રેલિયાએ આ વર્લ્ડ કપ જીત્યો હતો. તે સમયે, ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ જીતવા માટે 1 મિલિયન ડોલર મળ્યા હતા, જે ભારતીય રૂપિયામાં અંદાજે 8 કરોડ છે. પરંતુ હવે તેમાં 134 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મહિલા T20 વર્લ્ડ કપની રનર અપ ટીમને 1.17 મિલિયન ડોલર મળશે, આ રકમ અગાઉની રનર અપને મળેલી રકમ કરતા 134 ટકા વધુ છે.