મને રામનવમીની શોભાયાત્રાથી કોઈ વાંધો નથીઃ મમતા બેનર્જી
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યના તમામ સમુદાયોને અફવાઓ પર ધ્યાન આપ્યા વિના શાંતિપૂર્ણ રીતે રામ નવમીનો તહેવાર ઉજવવાની અપીલ કરી હતી. તેમજ મમતા બેનર્જીએ ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ ભાજપાને જુમલા સંગઠન ગણાવીને ભાજપાનો એકમાત્ર એજન્ડા ધર્મના આધારે દેશને વિભાજીત કરવાનો આક્ષેપ કર્યો હતો.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્ય સચિવાલયમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "હું બધા સમુદાયોને રામ નવમી દરમિયાન શાંતિ જાળવવા, અફવાઓ પર ધ્યાન ન આપવા અને સતર્ક રહેવાની અપીલ કરું છું." "હું તમને વિનંતી કરું છું કે કોઈપણ રમખાણોમાં સામેલ ન થાઓ. યાદ રાખો, આ તેમની યુક્તિ છે. બંગાળમાં આપણે રામકૃષ્ણ, વિવેકાનંદના ઉપદેશોનું પાલન કરીએ છીએ, જુમલા પક્ષના નહીં.
મમતા બેનર્જીએ વધુમાં જણાવ્યું હતું કે, "યાદ રાખો કે ધર્મ એક વ્યક્તિનો છે, પરંતુ તહેવારો બધા માટે છે. અમે બધા ધર્મોનો આદર કરીએ છીએ, પરંતુ રેલીઓના નામે હિંસા કરનારાઓનો નહીં." મુખ્યમંત્રીએ કહ્યું, "પંજાબીઓ કિરપાન લઈને સરઘસ કાઢે છે - તમે પણ સરઘસ કાઢી શકો છો, પરંતુ તમારે પોલીસ પ્રતિબંધોનું પાલન કરવું જોઈએ અને અન્ય વિસ્તારોમાં જઈને મુશ્કેલી ઊભી ન કરવી જોઈએ."
તેમણે જણાવ્યું હતું કે, "રામ નવમી દરમિયાન શોભાયાત્રા સામે મને કોઈ વાંધો નથી. લોકો પોતાની રીતે તહેવાર ઉજવશે." તેણીએ કહ્યું, "હું 9 એપ્રિલે જૈન સમુદાયના કાર્યક્રમમાં ભાગ લઈશ. હું મહાવીર જયંતિની ઉજવણી માટે જૈન સમુદાયના કાર્યક્રમમાં ભાગ લઈશ. તો, જો હું બધાને સાથે લઈ જઈ શકું છું, તો તમે કેમ નહીં?"
બેનર્જીએ પ્રશ્ન કર્યો હતો કે, "ગઈકાલે તેઓએ અફવા ફેલાવવાનું શરૂ કર્યું કે મેં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરીને આવા ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે. તમે આ ખોટા વીડિયો કેમ બનાવી રહ્યા છો?"
તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના વડાએ ડાબેરી પક્ષો પર કટાક્ષ કર્યો અને તેમના પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, "હું ઘણા ડાબેરી નેતાઓનો આદર કરું છું, પરંતુ એવા નેતાઓનો નહીં જે ચૂંટણી નજીક આવે ત્યારે ભાજપના મિત્ર બની જાય છે."