અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવતા 3 મુસાફર પાસેથી 39 કરોડનો હાઇડ્રોપોનિક્સ ગાંજો ઝડપાયો
અમદાવાદઃ હવે અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીની સાથે સાથે ગાંજો અને ડ્રગ્સનું પણ આગમન થઇ રહ્યું છે. આંતરે દિવસે એજન્સીઓ દ્વારા પેડલરોને ઝડપી લેવામાં આવી છે. ત્યારે જ બેંગકોકથી આવી રહેલા ત્રણ ભારતીય નાગરિકો પાસેથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) અને એર ઇન્ટેલિજન્સ યુનિટે રૂપિયા 39 કરોડનો 39.24 કિલો હાઇડ્રોપોનિક્સ ગાંજો ઝડપી લીધો છે. આ યુવાનો ગાંજો કોના માટે લાવ્યા હતા તેની તપાસ ચાલી રહી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ડ્રગ્સની હેરાફેરી વધતાં એજન્સીઓ એક્ટિવ બની ગઇ છે. DRIની ટીમે પખવાડિયામાં હાઇડ્રોપોનિક્સ ગાંજો ઝડપીને હેટ્રિક પૂરી કરી છે. પખવાડિયામાં 95 કિલો હાઇડ્રોપોનિક્સ ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે, જે ચિંતાનો વિષય છે.
DRI અને એર ઇન્ટેલિજન્સ યુનિટને સંયુક્ત બાતમી મળી હતી કે બેંગકોકથી આવી રહેલા ચોક્કસ પેસેન્જર પાસે અત્યંત મોંઘો હાઇડ્રોપોનિક્સ ગાંજાનો જથ્થો છે, જેના પગલે અધિકારીઓ એલર્ટ બની ગયા હતા. બેંગકોકની ફ્લાઇટ લેન્ડ થતાંની સાથે જ શંકાસ્પદ 3 પેસેન્જરને અલગ તારવીને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ કરતાં બેંગકોકથી આવેલા આ ત્રણ ભારતીય નાગરિકો પાસેથી 39.24 કિલો હાઇડ્રોપોનિક્સ ગાંજો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત 39 કરોડ થાય છે. અધિકારીઓએ ગાંજાના જથ્થા સાથે ત્રણેય મુસાફરોની અટક કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે એજન્સીઓ ગાંજો મોકલનાર અને ગાંજો મંગાવનાર સુધી પહોંચી શકે છે કે કેમ?.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ પરથી હવે આંતરે દિવસે ગાંજો અને ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે, જે ચિંતાજનક બાબત છે. ડિપાર્ટમેન્ટ દ્વારા ચારેક દિવસ પહેલા જ અમદાવાદ એરપોર્ટ પરથી ચાર પેસેન્જરને અટકાવી તેમની તલાશ લેતાં તેમની પાસેથી ટ્રોલીમાં છૂપાવીને લાવવામાં આવેલો 37.2 કિલો ગાંજો ઝડપી લીધો હતો. જેની કિંમત 37 કરોડ હતી. આ ચાર મુસાફરોની પણ તપાસ ચાલી રહી છે.
જ્યારે 20મી તારીખે પણ અમદાવાદ એરપોર્ટ પરથી 17.5 કિલો ગ્રામ ગાંજો એજન્સીએ ઝડપી લીધો હતો. આમ પખવાડિયામાં એજન્સી દ્વારા 95 કિલો ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે. સાથે સાથે છ પેસેન્જરની પણ અટક કરવામાં આવી છે. આ તમામ કેસમાં ગાંજો લઈને આવતા મુસાફરો બેંગકોકથી જ આવ્યાનું નોધાયું છે. હવે બેંગકોકથી હાઇડ્રોપોનિક્સ ગાંજો ભારતમાં ઘૂસાડવાનું રેકેટ ચાલી રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ પરથી આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરો ડ્રગ્સ સાથે પણ ઝડપાયા હતા. જેમાં મહિલા પેડલરો પણ ડ્રગ્સની હેરાફેરી કરતા હોય છે. બે વર્ષ પહેલા ડ્રગ્સની કેપ્સ્યૂલ પેટમાં છૂપાવીને આવતી મહિલા પેટમાં જ કેપ્સ્યૂલ ફાટી જતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.