હૈદરાબાદ: ચંચલગુડા જેલમાંથી મુક્ત થયા સાઉથ એક્ટર અલ્લુ અર્જુન
બેંગ્લોરઃ હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને 'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ગતરોજ તેલંગાણા હાઈકોર્ટ દ્વારા તેમને વચગાળાની જામીન આપવામાં આવ્યા હતા.
અલ્લુ અર્જુનના વકીલે કહ્યું હતું કે, જામીન મળ્યા હોવા છતા મોડેથો છોડવા બદલ અમે કાયદાકીય કાર્યવાહી કરીશું ઉલ્લેખનીય છે કે, 4 ડિસેમ્બરના રોજ હૈદરાબાદમાં યોજાયેલા પુષ્પા-2ના સ્ક્રિનિંગ દરમિયાન મોટી સંખ્યામાં અલ્લુ અર્જુનના ચાહકો ઉમટી પડ્યા હતા. ભીડ એ હદે બેકાબૂ બની કે પોલીસને હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. નાસભાગ મચી ગઈ હતી. જેમાં કચડાવાને લીધે એક મહિલાનું મોત થયું હતું. જ્યારે તે મહિલાના પુત્ર સહિત અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ હતી.
આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધવામાં આવ્યો હતો સાથે જ પોલીસે આ કેસમાં થિયેટર-માલિક સહિત ત્રણ લોકોની અટકાયત કરી હતી. આ મામલે મહિલાના પરિવારે ફરિયાદ કરતા અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ, થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 118 (1) હેઠળ ફરિયાદ નોંધી હતી.